કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે ‘વન નેશન-વન ઇલેક્શન’ સહિત બે બિલોને મંજૂરી આપી હતી. આ ખરડાના મુસદ્દાને સંસદના હાલના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવે તેવી ધારણા છે. હાલમાં કેબિનેટે માત્ર લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવા માટેના બિલના મુસદ્દાને મંજૂરી આપી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. સરકાર આ બિલો પર વ્યાપક પરામર્શ કરવા માગે છે અને તેને સંસદીય સમિતિને મોકલવામાં આવે તેવી શક્યતા છે.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિએ તબક્કાવાર ધોરણે લોકસભા અને રાજ્યની ચૂંટણીઓ સાથે મ્યુનિસિપાલિટી અને પંચાયતોની ચૂંટણીઓ યોજવાની પણ દરખાસ્ત કરી હતી, પરંતુ કેબિનેટે હાલમાં મ્યુનિસિપાલિટી અને પંચાયતોની ચૂંટણીનો એકસાથ યોજવાની દરખાસ્તનો આ બિલમાં સમાવેશ કર્યો નથી.
સૂત્રોએ જણાવ્યું હતું કે લોકસભા અને રાજ્યની વિધાનસભાઓની એકસાથે ચૂંટણી યોજવા માટેના બંધારણીય સુધારા બિલને ઓછામાં ઓછા 50 ટકા રાજ્યો દ્વારા બહાલીની જરૂર રહેશે નહીં. સરકાર સંસદીય સમિતિ દ્વારા વિવિધ રાજ્યોની વિધાનસભાના સ્પીકર્સ સાથે વિચારવિમર્શ કરવા માગે છે.
કોવિંદ પેનલે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ સાથે મ્યુનિસિપાલિટી અને પંચાયતોની એક સાથે ચૂંટણીઓ યોજવાની જોગવાઈ કરવા માટે બીજું એક બંધારણીય બિલ રજૂ કરવાની દરખાસ્ત કરેલી છે. તેમાં આ સુધારા માટે બંધારણમાં નવી કલમ 324Aનો ઉમેરો કરવાની દરખાસ્ત છે. આ માટે ઓછા 50 ટકા રાજ્યોની વિધાનસભામાં મંજૂરીની જરૂર પડે છે. પરંતુ કેન્દ્રીય કેબિનેટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને હાલમાં આ બિલના દાયરામાં સમાવેશ કર્યો નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બીજુ બિલ હાલમાં વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશો સંબંધિત ત્રણ કાયદાઓની જોગવાઈઓમાં સુધારો કરવા માટેનું છે. હાલમાં પુડુચેરી, દિલ્હી અને જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશો છે, પરંતુ તેમાં વિધાનસભાઓ પણ છે. તેથી આ બીજા બિલમાં આ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓને પણ લોકસભાની ચૂંટણી સાથે યોજવાની દરખાસ્ત કરાઈ છે. આ બિલ એક સામાન્ય બિલ છે અને તેમાં બંધારણીય સુધારો કરવાની જરૂર પડતી નથી. તે માટે રાજ્યોની વિધાનસભાઓની મંજૂરીની પણ જરૂર પડતી નથી. તે જે કાયદાઓમાં સુધારો કરવાની દરખાસ્ત કરે છે, તેમાં ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી એક્ટ-1991, ગવર્નમેન્ટ ઓફ યુનિયન ટેરિટરીઝ એક્ટ-1963 તથા જમ્મુ અને કાશ્મીર રિઓર્ગેનાઇઝેશન એક્ટ-2019નો સમાવેશ થાય છે.
“એક રાષ્ટ્ર, એક ચૂંટણી” યોજના સાથે આગળ વધતા સરકારે સપ્ટેમ્બરમાં લોકસભા, રાજ્યોની વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓની એકસાથે ચૂંટણી યોજવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણો સ્વીકારી હતી. માર્ચમાં સરકારને સુપરત કરાયેલા અહેવાલમાં સમિતિએ બે તબક્કામાં “એક રાષ્ટ્ર, એક ચૂંટણી”નો અમલ કરવાની ભલામણ કરી હતી.
શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) અને તેના સાથી પક્ષો એક સાથે ચૂંટણી યોજવાની તરફેણ કરી રહ્યાં છે, જ્યારે મોટાભાગના વિરોધ પક્ષોએ તેનો વિરોધ કરી રહ્યાં છે.
સરકાર માને છે કે કે એકસાથે ચૂંટણીથી લાંબા ગાળે ખર્ચમાં ઘટાડો થશે અને વિવિધ ચૂંટણીઓને કારણે દેશના જુદા જુદા ભાગો આખા વર્ષ દરમિયાન આદર્શ આચાર સંહિતા હેઠળ રહેશે નહીં.1951 અને 1967ની વચ્ચે દેશમાં એકસાથે ચૂંટણી યોજાઈ હતી.