એર ઇન્ડિયાની તાજેતરમાં લંડન જતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતા તેને રોકવા માટે રોયલ એરફોર્સે એક ટાયફૂન ફાઈટર જેટ મોકલ્યું હતું અને ત્યાર પછી વિમાનને સલામત રીતે લંડનમાં ઉતારવામાં આવ્યું હતું. એર ઇન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું કે, મુંબઈથી લંડન જઈ રહેલી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી.
આ અંગે રોયલ એરફોર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે, RAF કોનિંગ્સબાય દ્વારા RAF ક્વિક રિએક્શન એલર્ટ ટાયફૂન ફાઇટર એરક્રાફ્ટને મુસાફરોથી ભરેલા વિમાનની તપાસ માટે મોકલવામાં આવ્યું હતું.” આ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સિવિલિયન એર ટ્રાફિક કંટ્રોલની સૂચના મુજબ એક અનિચ્છનીય અવરોધ પછી વિમાનને તેના મૂળ સ્થાને જવા માટે રવાના કરવામાં આવ્યું હતું. આ ઘટનાને સિવિલિયન ઓથોરિટીઝના નિયંત્રણ હેઠળ સંચાલિત કરવામાં આવી હતી.
એર ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું હતું કે, ફ્લાઇટ લંડનના હીથ્રો એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવી હતી.
જ્યારે રોયલ એરફોર્સ દ્વારા ફાઇટર જેટને સુપરસોનિક ઝડપે મોકલવામાં આવ્યું ત્યારે ઇંગ્લેન્ડના પૂર્વ એંગ્લિયા વિસ્તારમાં જોરદાર મોટો અવાજ સંભળાયો હતો.
આ અંગે નોર્ફોક પોલીસે જણાવ્યું હતું કે, “કાઉન્ટીના રહેવાસીઓએ RAF એરક્રાફ્ટનો મોટો અવાજ સાંભળ્યો હતો, તે વિસ્ફોટ નહોતો.”
