(Photo: Getty Images)

અમેરિકીના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વિદેશથી આયાત થતા સરસામાન અને સેવાઓ પરના નવા ટેરિફ અથવા આયાત કર લાદવાની યોજનાથી યુકેના અર્થતંત્રને જોરદાર ફટકો પડશે એવી અર્થિક વિશ્લેષકોએ ચેતવણી આપી છે. બ્રિટન વોશિંગ્ટન સાથે આર્થિક સોદો કરવામાં સફળ થાય તો પણ ટ્રમ્પના વેપાર ટેરિફની અસરો દૂરોગામી બની રહેશે. સરકાર માને છે કે યુકે નવા યુએસ ટેરિફનો ભોગ બનશે અને બ્રિટિશ સરસામાન અને સેવાઓને ટેરિફમાંથી મુક્તિ આપવાનો સોદો સમયસર થશે નહીં. આ ટેરિફની યુકે અને ભારત ઉપરાંત યુરોપ સહિત વિશ્વના દેશોને વ્યાપક અસર કરનાર છે.

નિષ્ણાંતો માને છે કે મોટાભાગે, યુએસ ટેરિફ યુકેના વિકાસ માટે હાનિકારક હશે અને તે યુકેના વિકાસને અવરોધી શકે છે. વળી તે કેવી રીતે પસાર થશે તે અંગે પણ ઘણી અનિશ્ચિતતાઓ છે. ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી (OBR) એ જણાવ્યું હતું કે યુકેના માલ અને સેવાઓ પરના ટેરિફમાં 20 ટકાનો વધારો પણ બ્રિટિશ અર્થતંત્રના કદમાં 1%નો ઘટાડો કરશે અને આગામી ઓટમમાં યુકેને કર વધારવાની ફરજ પાડશે.

બીજી તરફ ભારતના અધિકારીઓ અને અમેરિકાના દક્ષિણ અને મધ્ય એશિયા માટે અમેરિકાના સહાયક વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લિંચના નેતૃત્વમાં આવેલા યુએસ અધિકારીઓની ટીમ વચ્ચે ગત તા. 30ના રોજ દ્વિપક્ષીય વેપાર કરાર માટેની મંત્રણાનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો હતો અને મંત્રણામાં સારી પ્રગતિ થઈ છે.

સર કેર સ્ટાર્મરે સ્કાય ન્યૂઝ સાથે વાત કરતા તા. 1ના રોજ કહ્યું હતું કે ‘’યુકે યુએસ સાથે આર્થિક સોદા માટે સખત મહેનત કરી રહ્યું છે અને બુધવારે લાદવામાં આવનાર ટેરિફ પહેલાં તેના પર ઝડપી પ્રગતિ થઈ છે. ટેરિફનું કોઇ સ્વાગત કરતું નથી, કોઈ વેપાર યુદ્ધ ઇચ્છતું નથી. પરંતુ મારે રાષ્ટ્રીય હિતમાં કાર્ય કરવું પડશે અને તેનો અર્થ એ કે બધા વિકલ્પો ટેબલ પર રહેવા જોઈએ.”

સર કેરે ઉમેર્યું હતું કે “આર્થિક સોદાઓ પરની ચર્ચામાં ખૂબ આગળ હોવા છતાય તેમાં મહિનાઓ કે વર્ષો લાગશે. મને લાગે છે કે શાંત અને સંકલિત અભિગમ આપણા દેશના શ્રેષ્ઠ હિતમાં જરૂરી છે. પણ અમે ઘૂંટણિયે પડવાનો અભિગમ ધરાવશું નહીં.’’

તા. 30ને રવિવારે સર કેર સ્ટાર્મરે ટ્રમ્પ સાથે ફોન પર વાત કર્યા પછી ડાઉનિંગ સ્ટ્રીટે કહ્યું હતું કે ‘’આ જોડીએ આર્થિક સોદા અંગે “ઉત્પાદક વાટાઘાટો” કરી છે. સરકારે દલીલ કરી છે કે યુકેનો તેના અન્ય ભાગીદારોની તુલનામાં યુએસ સાથે પ્રમાણમાં સમાન વેપાર સંબંધ છે. ટેરિફ બાબતે અમે એક એવો સોદો કરીશું જે બ્રિટિશ લોકો માટે આર્થિક સમૃદ્ધિ લાવે અને અમે ફક્ત રાષ્ટ્રીય હિતમાં કાર્ય કરીશું. જો તેઓ યુકે પર આકરા ટેરિફ લાદે તો યુકે સરકાર પણ તેનો બદલો લેવાની શક્યતાને નકારી કાઢતી નથી. જ્યારે ટેરિફની વાત આવે છે, ત્યારે વડા પ્રધાન સ્પષ્ટ છે કે તેઓ હંમેશા રાષ્ટ્રીય હિતમાં કાર્ય કરશે અને અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પની જાહેરાત પહેલાં તમામ સંભવિત પરિસ્થિતિઓ માટે તૈયારી કરી રહ્યા છીએ. અમને અપેક્ષા છે કે યુકે સહિત અન્ય દેશો પ્રભાવિત થશે.”

પ્રવક્તાએ કહ્યું હતું કે ‘’યુકે અને યુએસ વચ્ચે ચર્ચા બુધવાર પછી પણ ચાલુ રહેશે. યુકે કોઈપણ ટેરિફના જવાબમાં શાંત અને વ્યવહારિક અભિગમ અપનાવશે. કેમ કે યુએસ સાથે વેપાર યુદ્ધ કોઈના હિતમાં નથી. અમે પ્રતિભાવમાં કંઈપણ નકારી કાઢીએ છીએ.”

ગયા મહિને સ્ટાર્મર અને ટ્રમ્પ ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસ ખાતે મળ્યા હતા ત્યારે ટ્રમ્પે યુકે સાથે એક વાસ્તવિક વેપાર સોદો કરવાનો સંકેત આપ્યો હતો, જે યુકેને અન્ય દેશો સામે લદાતા ટેરિફથી બચાવી શકે છે.

ટેરિફની અપેક્ષાએ સોમવારે વૈશ્વિક બજારો સપાટ અથવા નીચે રહ્યા હતા. FTSE 100 સ્ટોક એક્સચેન્જ સોમવારે લગભગ 1.3% નીચા ટ્રેડિંગ સાથે, 0.9% નુકસાન સાથે બંધ થયું હતું. જ્યારે વોલ સ્ટ્રીટ ખાતે S&P 500 અસ્થિર દિવસ પછી 0.6% વધ્યો હતો જે સવારે 1.7% જેટલો ઘટ્યો હતો. એશિયન બજારો સ્થિર રહ્યા હતા. ટોક્યોનો નિક્કી 225 ગઈકાલે 4% ઘટાડા પછી મોટાભાગે યથાવત રહ્યો હતો.

વિપક્ષ જેવા સાથે તેવા મૂડમાં

કન્ઝર્વેટિવ શેડો ટ્રેડ સેક્રેટરી એન્ડ્રુ ગ્રિફિથ, એમપીએ જણાવ્યું હતું કે “આ સમાચાર ફક્ત બ્રિટિશ બિઝનેસીસ અને કામદારો માટે જ નહીં પરંતુ ચાન્સેલર માટે પણ એક મોટો ફટકો છે. લેબર પાર્ટીનો દાવો છે કે યુએસ સાથેની વાટાઘાટો “સારી” ચાલી રહી છે. પરંતુ જો આ સારું લાગે છે, તો હું એ જોવા માંગતો નથી કે વિપરીત શું દેખાય છે. તેમણે આપણા યુએસ વેપાર સોદાને ફરીથી જીવંત કરવાની જરૂર છે.”

લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીના નેતા સર એડ ડેવીએ કહ્યું હતું કે ‘’કેનેડા અને યુરોપિયન યુનિયનની જેમ સરકારને પોતાના ટેરિફ સાથે વળતો પ્રહાર કરવો જોઇએ અને બતાવવું પડશે કે આપણને બુલીઇંગ કરી શકાશે નહીં. જો જરૂરી હોય તો પારસ્પરિક ટેરિફ લાદવા માટે તૈયાર રહેવું. અમારી પાસે પણ વિકલ્પો છે તેવું ટ્રમ્પને બતાવવા માટે તાત્કાલિક EU સાથે વધુ સારા વેપાર સોદા માટે વાટાઘાટો કરવી પડશે.”

પારસ્પરિક વેપાર યુદ્ધ અબજો ડોલરના આર્થિક વિકાસને નષ્ટ કરી દેશે : OBR

યુકેની ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી (OBR) એ ચેતવણી આપી છે કે પારસ્પરિક વેપાર યુદ્ધ અબજો ડોલરના આર્થિક વિકાસને નષ્ટ કરી દેશે અને ચાન્સેલર રશેલ રીવ્સને ખર્ચ અને ઉધાર અંગેના તેમના દ્વારા લાદવામાં આવેલા નિયમોમાં રહેવાની મુખ્ય જગ્યાને દૂર કરશે.

બુધવારે પ્રકાશિત OBR ની નવીનતમ આર્થિક આગાહીમાં કહેવામાં આવ્યું છે કે GDP આ વર્ષે આગાહી કરતા 0.6% ઓછી અને આગામી વર્ષે 1% ઓછી રહેશે, જેમાં સૌથી “ગંભીર” પરિસ્થિતિ હશે.

જો યુકે ટેરીફનો બદલો નહિં લે તો OBR એ વૃદ્ધિમાં નાના ઘટાડાની આગાહી કરી છે, જેમાં જીડીપી આ વર્ષે અપેક્ષા કરતા 0.4% ઓછી અને આગામી વર્ષે 0.6% ઓછી રહેશે. પણ જો ટેરિફ લાગુ થાય તો યુકે કેવી રીતે બદલો લેશે તે સ્પષ્ટ નથી.

ગોલ્ડમેન સૅક્સે મંગળવારે ચેતવણી આપી હતી કે, જો સર કેર ટેરિફ ટાળવા માટે યુએસ સાથે સોદો કરવામાં સફળ થશે તો પણ યુરોપિયન યુનિયન સામે લાદવામાં આવેલા ટ્રેડ ટેરિફના “નકારાત્મક સ્પીલઓવર”ને કારણે યુકેના જીડીપીને અગાઉના અંદાજ કરતાં વધુ ફટકો પડશે. બેંકના અર્થશાસ્ત્રીઓ માને છે કે હવે આ વર્ષે યુકેના વિકાસ દરના 0.8 ટકા અને 2026 માં 1.2 ટકા રહેવાની અપેક્ષા રાખે છે.

બ્રિટિશ લક્ઝરી કાર પર ટેરિફ લગાવાશે 

ટ્રમ્પની યોજના રોલ્સ-રોયસ અને એસ્ટન માર્ટિન જેવી બ્રિટિશ લક્ઝરી કાર પર ટેરિફ લગાવવાની છે અને અમેરિકા કાર અને કારના પાર્ટ્સ પર 25% લેવીની જાહેરાત પહેલાથી જ કરી ચૂક્યું છે.

સોસાયટી ઓફ મોટર મેન્યુફેક્ચરર્સ એન્ડ ટ્રેડર્સ (SMMT) અનુસાર, યુકેની કાર નિકાસ દર વર્ષે લગભગ £7.6 બિલિયનની છે, અને યુરોપિયન યુનિયન પછી યુકે કાર ઉદ્યોગ માટે યુએસ બીજા ક્રમનું સૌથી મોટું બજાર છે.

ટ્રમ્પ દલીલ કરે છે કે તેમના પગલાં અમેરિકન ઉત્પાદકોને મદદ કરશે અને નોકરીઓનું રક્ષણ કરશે. જોકે ચેતવણી આપવામાં આવી હતી કે અમેરિકી ગ્રાહકો માટે કિંમતો વધી શકે છે.

LEAVE A REPLY