યુકેમાં ગેરકાયદે માઇગ્રન્ટ્સને આવતા અટકાવવા માટે સરકારે ‘વિશ્વમાં પ્રથમ’ નવા પ્રતિબંધો જાહેર કર્યા છે. જેનો હેતુ દેશમાં ગુનાખોરોને પ્રવેશતા અટકાવવાનો અને તેમની ગેરકાયદે નાણાકીય પ્રવૃત્તિ પર અંકુશ લાદવાનો છે. સરકારે જણાવ્યું હતું કે, નવા પ્રતિબંધો ગેરકાયદે માઇગ્રન્ટ્સ અને સંગઠિત ઇમિગ્રેશન ગુનાખોરીને ધ્યાનમાં રાખીને લાદવામાં આવ્યા છે. આવા પ્રતિબંધોની મદદથી અધિકારીઓ જોખમી પ્રવાસ કરીને દેશમાં ઘૂસણખોરી કરતા લોકોને પકડી શકશે. નવા પ્રતિબંધ આ વર્ષે જ અમલી બનવાની ધારણા છે. સરકારની કાનૂની એજન્સીઓ તેમજ હોમ ઓફિસના નિષ્ણાતો ગેરકાયદે માઇગ્રેશનને રોકવા માટે ફાઇનાન્સિંગનો પ્રવાહ અટકાવવા જરૂરી પગલાં ભરશે. જેમાં સમગ્ર યુરોપમાં જોખમી રીતે દરિયાને પાર કરવાની પ્રવૃત્તિ પણ સામેલ છે.
વડાપ્રધાન કેઅર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, “આપણી સરહદોનું ઉલ્લંઘન કરતી અપરાધી ગેંગનું માળખું વિખેરવું જરૂરી છે. સમગ્ર યુરોપમાં લોકોની હેરાફેરીને અટકાવવા આપણે દેશની સરહદોની સુરક્ષા માટે આપેલું વચન પાળીશું. અમે અમારી નીતિમાં હિંમતભર્યા અને નવતર પગલાં લઇશું. અમારી સરકાર આગામી વર્ષોમાં લોકોનું જીવન બચાવવાના અને સરહદની સુરક્ષા માટેના પગલાં લેશે.” લેબર પાર્ટીની સરકારના ‘પ્લાન ફોર ચેન્જ’નો હેતુ ઇંગ્લિશ ચેનલને પાર કરીને જોખમી નાની બોટો દ્વારા દેશમાં પ્રવેશતા લોકોને અટકાવવવાનો છે. ઉપરાંત, તે ગેરકાયદે સ્થળાંતરને ઘટાડવાના પગલાં તરીકે શરણાર્થી હોટેલ્સના નિયમિત ઉપયોગને પણ બંધ કરાવવા ઇચ્છે છે.