લંડનમાં રવિવારે (2 ફેબ્રુઆરી) યુરોપિયન દેશોના નેતાઓની તાકિદની બેઠક મળ્યા પછી યુકેના વડાપ્રધાન સર કિર સ્ટાર્મરે કહ્યું હતું કે, યુક્રેનને સમર્થન આપવા અને તેની સલામતી વધુ મજબૂત બનાવવા યુકે અને યુરોપના નેતાઓની શિખર બેઠકમાં કેટલાક મહત્ત્વના પગલાં ઉપર સંમતિ સધાઈ હતી.
શિખર બેઠક પહેલા સ્ટાર્મરે કહ્યું હતું કે, યુરોપિયન દેશો “ઈતિહાસના ત્રિભેટે” આવીને ઉભા છે અને તેમને એ વાતનો અહેસાસ થવો જોઈએ કે, “પગલાં લેવાનો સમય પાકી ગયો છે.” તેમણે લેન્કેસ્ટર હાઉસ ખાતે મળેલી યુક્રેન સલામતી શિખરમાં ચર્ચાયેલી ચાર પગલાંની યોજનાની પણ સંક્ષિપ્ત વિગતો આપી હતી.
તેમાં ઈચ્છુક દેશોનું એક જૂથ રચવા માટેની પ્રતિબદ્ધતાનો પણ સમાવેશ થાય છે, જેનો ધ્યેય યુક્રેનમાં શાંતિ સમજુતી અસરકારક રીતે અમલી બનાવવા અને યુક્રેનની સલામતીની ખાતરીનો સમાવેશ થાય છે. શિખર પછી પત્રકારો સાથે વાત કરતાં યુકેના વડાપ્રધાને યુક્રેનને 5,000થી વધુ મિસાઈલ પ્રાપ્ત કરવા માટે £1.6 બિલિયનની નાણાંકિય સહાયની પણ જાહેરાત કરી હતી.
સ્ટાર્મરે કહ્યું હતું કે, દરેક દેશે તેની ક્ષમતા મુજબ ફાળો આપવો જોઈએ. પગલાંમાં યુક્રેનને લશ્કરી સહાયનો પ્રવાહ ચાલુ રાખવા તેમજ રશિયા ઉપર આર્થિક દબાણ વધારતા રહેવાનો અને તે રીતે યુક્રેનને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે. શિખરમાં તમામ નેતાઓ વચ્ચે એ વાતે પણ સંમતિ હતી કે, કોઈપણ સુદીર્ઘ શાંતિ માટે યુક્રેનનું સાર્વભૌમત્ત્વ અને સલામતીની ખાતરી રહેવી જોઈએ તેમજ કોઈપણ મંત્રણમાં યુક્રેનનો સમાવેશ થવો જ જોઈએ.
યુદ્ધમાં શાંતિ સમજુતિ થાય તો એ સંજોગોમાં પણ યુક્રેનની પોતાના સંરક્ષણ માટેની ક્ષમતા વધારતા રહેવાનો સમાવેશ થાય છે, જેના પગલે ભવિષ્યમાં યુક્રેન ઉપર કોઈ આક્રમણની હિંમત કરી શકે નહીં. તે ઉપરાંત આ મોખરાના યુરોપિયન દેશોએ ઈચ્છુક દેશોનું એક કોએલિશન રચવા માટે પણ આગળ ધપવાનો નિર્ણય લીધો હતો, જે યુક્રેનની શાંતિ સમજુતીનું રક્ષણ કરવા અને ત્યાં શાંતિની ખાતરી કરવા તૈયાર હોય.
આ પ્રયાસોમાં યુકેની અન્ય દેશોના સહયોગ સાથે પોતાનું સૈન્ય યુક્રેનની ભૂમિ ઉપર ઉતારવા તેમજ તેની વાયુ સીમાના રક્ષણ પણ પોતાના યુદ્ધ વિમાનો પણ ત્યાં તહેનાત કરવા તૈયાર હોવાનું સ્ટાર્મરે જણાવ્યું હતું.
આ શિખર બેઠકમાં યુક્રેના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી, ફ્રાન્સના પ્રેસિડેન્ટ મેક્રોં, કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો, યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયેન, સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સહિત 19 અગ્રણીઓએ ભાગ લીધો હતો.
ગયા સપ્તાહે શુક્રવારે અમેરિકાના પાટનગર વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસ ખાતે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી વચ્ચે ઉગ્ર ચર્ચા અને તડાફડી પછી શનિવારે ઝેલેન્સ્કી યુકેની મુલાકાતે આવ્યા હતા અને ટ્રમ્પ સાથેની ચકમક પછી યુરોપના નેતાઓએ પણ કહ્યું હતું કે, યુદ્ધ વિરામ અને શાંતિ સમજુતીનો મતલબ યુક્રેનની શરણાગતિ હોઈ શકે નહીં.
