Sir Keir Starmer (centre front) stands with Labour Party MPs, including some who won seats in the recent general election, at Church House in Westminster on July 8, 2024 in London, England. (Photo by Dan Kitwood/Getty Images)

અગ્રણી રેસ અને ડાઇવર્સીટી થિંકટેંક બ્રિટિશ ફ્યુચર દ્વારા 2024ની સામાન્ય ચૂંટણીના પરિણામોના વિશ્લેષણમાં જણાયું છે કે યુકેની અત્યાર સુધીની સૌથી વૈવિધ્યસભર સંસદમાં વિક્રમજનક રીતે 89 સાસંદો વંશીય લઘુમતીના લોકો છે અને ગઇ સંસદ કરતા તેમાં 23નો વધારો થયો છે.

પ્રતિનિધિત્વમાં ઐતિહાસિક પ્રગતિનો અર્થ એ છે કે નવી સંસદ મતદારોની વિવિધતાને પ્રતિબિંબિત કરવા માટે પહેલાં કરતાં વધુ નજીક આવી છે. સાંસદોની કુલ સંખ્યાના 13.7% સાંસદો વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિમાંથી આવે છે. ‘નંબર ક્રન્ચર પોલિટિક્સ’ના મેટ સિંઘ દ્વારા વસ્તી ગણતરીના ડેટાના વિશ્લેષણ મુજબ અંદાજ છે કે યુકેના 14% મતદારો વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિના છે.

2024ની સંસદમાં વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિના 66 લેબર સાંસદોનો સમાવેશ થશે, જે નવી સંસદીય લેબર પાર્ટીના 16% હિસ્સો ધરાવે છે. કન્ઝર્વેટિવ પક્ષ તરફથી 14 વંશીય લઘુમતી સાંસદો ચૂંટાયા છે જે ટોરી સંસદીય પાર્ટીના 11.5% છે. જ્યારે લિબ ડેમ્સના 5 અને 4 નવા અપક્ષ સાંસદો લઘુમતી પૃષ્ઠભૂમિમાંથી છે. વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિના સાંસદોમાં મહિલાઓની સંખ્યા 50 અને પુરૂષોની સંખ્યા 39 છે.

બ્રિટિશ ફ્યુચરના ડિરેક્ટર સુંદર કાટવાલાએ કહ્યું હતું કે “2024ની ચૂંટણી એ પ્રતિનિધિત્વ માટે એક સીમાચિહ્નરૂપ છે, જેમાં આપણી સંસદમાં વિક્રમી વિવિધતા છે, જે મતદારોની સરખામણીએ પહેલા કરતાં વધુ છે. 40 વર્ષના ગાળામાં વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિના સાંસદોની સંખ્યા શૂન્યથી આગળ વધીને કુલ સાંસદોની સંખ્યાના સાતમા ભાગની થઇ ગઇ છે. યુકેના પ્રથમ બ્રિટિશ એશિયન વડા પ્રધાન તરીકે ઋષિ સુનકની પ્રીમિયરશિપના અંત સાથે મેળ ખાતી વક્રોક્તિ એ જ દર્શાવે છે કે કેવી રીતે મુખ્ય રાજકીય પક્ષોમાં વંશીય વિવિધતા એક નવુ ધોરણ બની ગઈ છે. વધુ સારી રજૂઆત સમાવેશ પર સારી નીતિઓની બાંયધરી આપતી નથી. આપણી જાતિની ચર્ચાઓ ઘણીવાર હંમેશની જેમ ધ્રુવીકરણ અનુભવી શકે છે. પરંતુ અવાજનો વધુ મજબૂત હિસ્સો મહત્વપૂર્ણ છે. જ્યારે નવા કોમન્સમાં જાતિના મુદ્દાઓ ઉઠાવાશે, ત્યારે વંશીય લઘુમતી સાંસદો તેમના જીવંત અનુભવને ચર્ચામાં લાવવા માટે ત્યાં હશે.”

2019ની ચૂંટણીમાં 66 વંશીય લઘુમતી સાંસદો વેસ્ટમિન્સ્ટર સંસદમાં ચૂંટાયા હતા અને તે વખતે પણ પ્રથમ વખત 10% સાંસદો વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિમાંથી આવ્યા હતા.

વંશીય લઘુમતી સાંસદોની વિસ્તૃત માહિતી

 

પાર્ટી ઉમેદવારની ટકાવારી વંશીય લઘુમતી સાંસદો કુલ સાંસદો વંશીય લઘુમતી સાંસદોની ટકાવારી વંશીય લઘુમતી પુરૂષ સાંસદો વંશીય લઘુમતી મહિલા સાંસદો
લેબર 20% 66 412 16% 27 39
કોન્ઝર્વેટિવ્સ 14% 14 121 11.5% 7 7
લિબ ડેમ્સ 10.5% 3 71 4% 1 2
SNP 5.2% 0 9 0% 0 0
ગ્રીન્સ 9% 0 4 0% 0 0
રિફોર્મ્સ 5% 0 4 0% 0 0
પ્લેઇડ સિમરુ 0% 0 4 0% 0 0
નોર્ધર્ન આયર્લેન્ડ પાર્ટીઝ 0.7% 0 18 0% 0 0
અપક્ષો 4 6 66% 4 0 0

 

 

LEAVE A REPLY