વડાપ્રધાન કેર સ્ટાર્મરે તા. 13ના રોજ બિલીયન્સ પાઉન્ડના રોકાણ અને સમર્પિત AI ગ્રોથ ઝોનની મદદથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની સંભાવનાઓને ઉજાગર કરવાની તેમની ‘AI ઓપોર્ચ્યુનીટીઝ એક્શન પ્લાન’ રજૂ કરી હતી જેથી યુકે આ ક્ષેત્રમાં ‘વિશ્વ નેતા’ બની શકે.  સૌથી પહેલો AI ગ્રોથ ઝોન કુલ્હામ, ઓક્સફોર્ડશાયરમાં આવશે.

યોજનાનું અનાવરણ કરતા સ્ટાર્મરે કહ્યું હતું કે ‘AI કામ કરતા લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે છે અને બ્રિટનના નિર્માણ માટે પ્લાનીંગ કન્સલ્ટેશનને ઝડપી બનાવવાની, શિક્ષકો માટે એડમિન કામ ઘટાડવામાં મદદ કરવા અને  કેમેરા દ્વારા ખાડાઓ શોધી રસ્તાઓ સુધારવામાં પણ મદદ કરવાની ક્ષમતા ધરાવે છે. ત્રણ મુખ્ય ટેક કંપનીઓ – વેન્ટેજ ડેટા સેન્ટર્સ, એનસ્કેલ અને કિન્ડ્રીલ – AIની માળખાગત સુવિધાઓ બનાવવા માટે £14 બિલિયનના રોકાણ માટે પ્રતિબદ્ધ છે જે યુકેને આ ટેકનોલોજીની સંભાવનાનો ઉપયોગ કરવા અને સમગ્ર યુકેમાં 13,250 નોકરીઓ ઉભી કરવા જરૂરી છે.’’

સ્ટાર્મરે કહ્યું હતું કે “AI ઉદ્યોગને એવી સરકારની જરૂર છે જે તેમની બાજુમાં હોય, તકોને સરકી જવા ન દે. તીવ્ર સ્પર્ધાની આ દુનિયામાં આપણે ઝડપથી આગળ વધવું જોઈએ અને વૈશ્વિક રેસ જીતવા માટે પગલાં લેવા જોઈએ. અમારી યોજના ઉદ્યોગોને જરૂરી પાયો આપશે અને પરિવર્તન યોજનાને ટર્બોચાર્જ કરશે. જેથી યુકેમાં વધુ નોકરીઓ અને રોકાણ, લોકોના ખિસ્સામાં વધુ પૈસા, અને જાહેર સેવાઓમાં પરિવર્તન આવશે.”

ડાઉનિંગ સ્ટ્રીટે નિર્દેશ કર્યો હતો કે યુકેની હોસ્પિટલોમાં  સ્તન કેન્સરના ઝડપી નિદાન સહિત વધુ સારી, ઝડપી અને સ્માર્ટ સાર-સંભાળ પૂરી પાડવા માટે AIનો ઉપયોગ પહેલાથી જ થઈ રહ્યો છે. IMFના અંદાજ મુજબ, AI દર વર્ષે ઉત્પાદકતામાં 1.5 ટકા જેટલો વધારો કરી શકે છે, જે એક દાયકામાં દર વર્ષે યુકેને સરેરાશ £47 બિલિયન સુધીનો ખર્ચ થવાનો અંદાજ છે.

ચાન્સેલર રશેલ રીવ્સે જણાવ્યું હતું કે “AI એક શક્તિશાળી સાધન છે જે આપણા અર્થતંત્રને વિકસાવવામાં, આપણી જાહેર સેવાઓને વધુ કાર્યક્ષમ બનાવવામાં અને જીવનધોરણ સુધારવામાં મદદ કરવા માટે નવી તકો ખોલવામાં મદદ કરશે.”

LEAVE A REPLY