લંડનમાં યુગાન્ડા હાઈ કમિશન દ્વારા 5 ફેબ્રુઆરીના રોજ ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન (IMO) બિલ્ડીંગ ખાતે યુગાન્ડાની વિરાસતની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે યુગાન્ડાની સમૃદ્ધ સાંસ્કૃતિક વૈવિધ્યતા અને રોકાણની તકોને ઉજાગર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણરૂપે જાણીતા વાટોટો ચિલ્ડ્રન ચોયર દ્વારા કળાનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ નિમિત્તે હાઈ કમિશનર નિમિષા જે માધવાણીએ તેમના પ્રાસંગિક સંબોધનમાં મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરીને યુગાન્ડાની ધબકતી પરંપરાઓની ઝલક રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “યુગાન્ડાની સાંસ્કૃતિક વિરાસત ફક્ત ભૂતકાળની જ નથી પરંતુ આપણી ઓળખ, સામાજિક એકતા અને આર્થિક વિકાસનો પાયો છે. યુગાન્ડામાં 50થી વધુ જુદા જુદા વંશીય જૂથો, દરેકમાં વિવિધ પરંપરાઓ, ભાષાઓ અને કલાત્મક અભિવ્યક્તિઓ છે, જે અમારી વૈવિધ્યતા અને અમારી શક્તિ છે.”
યુગાન્ડામાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજના ત્રણ સ્થળો છે, જેમાં કાસુબી કબરો, વિન્ડી નેશનલ પાર્ક અને વેન્ઝોરી પર્વતમાળા નેશનલ પાર્કનો સમાવેશ થાય છે. આ દરેક સ્થાન પ્રવાસન અને સાંસ્કૃતિક સંરક્ષણમાં નોંધપાત્ર યોગદાન આપે છે. હાઇ કમિશનરે દેશની પરંપરાઓ અને પોષાકની ભૂમિકા વિશે માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક રાજદ્વારી અને સ્થિર વિકાસમાં યુગાન્ડાના યોગદાનને પણ રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની સમાપન વેળાએ હાઇકમિશનરે ઉપસ્થિત તમામ આમંત્રિતોને યુગાન્ડાની સુંદરતાનો જાત અનુભવ કરવા આમંત્રણ આપ્યું.
આ કાર્યક્રમમાં અનેક પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં એમ્બેસેડર રોમેરો, ડીન ઓફ ડિપ્લોમેટિત કોર્પ્સ યુકે, કર્નલ ક્રિશ્ચન કેટસેન્ડ, ડીન ઓફ આફ્રિકન મિશન ગ્રુપ, લોર્ડ લેફ્ટેનન્ટ મનોજ જોશી, બ્રેડફોર્ડ, ક્રોયડનના કાઉન્સિલર મંજૂ સહિત વગેરે મહાનુભાવોનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY