કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાન પ્રવાસીઓ હવે માત્ર રૂ. 10માં એક કપ ચા અને રૂ.20માં સમોસાનો આનંદ માણી શકશે. નાગરિક ઉડ્ડયન પ્રધાન રામમોહન નાયડુ કિંજરાપુ ઉડાન યાત્રી કાફે નામના પ્રોજેક્ટનો પ્રારંભ કર્યા હતો અને જણાવ્યું હતું કે દેશભરના અરપોર્ટ પર ઉડાન યાત્રી કાફે ચાલુ કરાશે.
પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સસ્તા ભાવે એરપોર્ટ પર ખાદ્યપદાર્થો અને પીણાં ઉપલબ્ધ કરવાનો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સંયુક્ત પહેલ સાથે આ પ્રોજેક્ટ ચાલુ કરાયો છે.
આ પ્રસંગે ઉડ્ડયન પ્રધાને જણાવ્યું હતું કે હવાઈ મુસાફરીને વધુ સમાવિષ્ટ અને સુલભ બનાવવી એ હંમેશા ઉડ્ડયન ક્ષેત્રમાં અમારા પ્રયાસોનું કેન્દ્ર રહ્યું છે. કોલકાતા એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફેનું ઉદઘાટન આ મિશન તરફનું બીજું પગલું છે.
રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે હું નાગરિક ઉડ્ડયન પ્રધાન તરીકે, સામાન્ય માણસના સપના અને રોજિંદા સંઘર્ષમાંથી પ્રેરણા મેળવું છું. હવાઈ મુસાફરીને કિફાયતી, ગરિમાપૂર્ણ અને આરામનું પ્રતિક બનાવવાનું મિશન મને હૃદયસમુ છે. આ એક એવો અનુભવ છે કે જે દરેક ભારતીય ગર્વ અને આનંદ સાથે માણી શકે છે.