ગુજરાત સરકારે ગત મંગળવારે રાજ્યમાં કોમન સિવિલ કોડ (UCC)ને અમલી બનાવવા અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઇના વડપણ હેઠળ એક કમિટિની રચના કરવાનો નિર્ણય લીધો હતો. આ કમિટિ 45 દિવસમાં તેનો રિપોર્ટ સરકારને સુપરત કરે તે પછી આગળની કાર્યવાહી કરાશે. ઉત્તરાખંડ કોમન સિવિલ કોડ લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય છે.
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું, કે ‘ભારતીયતા આપણો ધર્મ છે અને ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌથીનું પથદર્શન કરતું આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌને સમાન હક મળે તે માટે યુનિફોર્મ સિવિલ કોડનો નિર્ણય લીધો છે.
ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે આગળ વધી રહી છે. ત્યારે યુનિફોર્મ સિવિલ કોડ અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઇની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે.’
શ્રી પટેલે વધુમાં જણાવ્યું કે, ‘ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતાની જરૂરિયાત અંગે વિચારણા કરીને તે અંગેનો એક રિપોર્ટ તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઈની આગેવાનીમાં હેઠળ પાંચ સભ્યની કમિટીની રચના કરી છે. આ કમિટીમાં વરિષ્ઠ નિવૃત IAS અધિકારી સી.એલ. મીણા, એડવોકેટ આર.સી. કોડેકર, ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ પણ સભ્ય છે. આ કમિટી 45 દિવસમાં એક રિપોર્ટ રજૂ કરશે, તેની સમીક્ષા કર્યા પછી રાજ્ય સરકાર આગળ નિર્ણય કરશે.’
આ પત્રકાર પરિષદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ’45 દિવસમાં કમિટી દ્વારા જે રિપોર્ટ આવશે, તેનો રિવ્યૂ કરાશે. આ રિવ્યૂ બાદ સરકાર યોગ્ય નિર્ણય લેશે. કોઈ જ્ઞાતિ-જાતિને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રખાશે. ખાસ કરીને આદિવાસી સમાજને કોઈ નુકસાન ન થાય તેનું પણ ખાસ ધ્યાન રખાશે. આ કાયદો કોઈ એક સમાજ માટે નથી લાવવામાં આવી રહ્યો, તમામ નાગરિકો માટે સમાન કાયદા રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.’
કેન્દ્ર સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ દેશભરમાં લાગુ કરવાની પહેલ કરાઈ છે. બંધારણની કલમ 44 હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ આવે છે. આ કાયદા પ્રમાણે, દેશભરના નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. આ કલમ હેઠળ દેશમાં આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની માંગ કરાઈ છે. આ પાછળનો તર્ક વિવિધ કાયદાને નિયંત્રિત કરવાનો છે. બધા ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક અને મિલકતમાં બધા માટે એક જ નિયમ લાગુ કરવો. તેમજ પરસ્પર સંબંધો અને પરિવારના સભ્યોના અધિકારોમાં સમાનતા આપવી. આ ઉપરાંત વ્યક્તિની જાતિ, ધર્મ કે પરંપરાના આધારે નિયમોમાં કોઈ છૂટછાટ આપવી નહીં. તેમજ કોઈ ચોક્કસ ધર્મ માટે કોઈ અલગ નિયમ નહીં.