પવિત્ર રમઝાન માસ દરમિયાન યુએઇ સરકારે દયા દાખવીને મોટાપાયે કેદીઓની સજા માફ કરવાની જાહેરાત કરી છે, જેમાં મુક્ત કરાયેલા કેદીઓમાં 500થી વધુ ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે. ફેબ્રુઆરીના અંતમાં અમલમાં આવેલા આ નિર્ણયમાં પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને 1295 કેદીઓને જેલ મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો, જ્યારે વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમે 1518 કેદીઓની સજા માફ કરી હતી.
રમઝાન માસ દરમિયાન કેદીઓને માફ કરવાની આ વાર્ષિક પરંપરા ન્યાય, કરુણા અને ભારત સાથે મજબૂત રાજદ્વારી સંબંધો જાળવવા માટે યુએઇ સરકારની કટિબદ્ધતાને વ્યક્ત કરે છે. વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ દ્વારા આપવામાં આવેલી માફી દુબઈની સુધારાત્મક અને દંડાત્મક જેલોમાં રાખવામાં આવેલા વિવિધ દેશોના નાગરિકોને લાગુ પડે છે. આ માફીનો ઉદ્દેશ આવા કેદીઓને તેમના પરિવારોમાં અને સમાજમાં ફરી ભેળવવાનો છે. દુબઈના એટર્ની જનરલ, ચાન્સેલર એસ્સામ ઇસ્સા અલ હુમૈદાને આ અંગે જણાવ્યું હતું કે, શેખ મોહમ્મદનો આ નિર્ણય સજા ભોગવી ચૂકેલા લોકોને નવી શરૂઆત આપવાના સમર્પણને દર્શાવે છે. આ માટે દુબઈ પબ્લિક પ્રોસિક્યુશન અને દુબઈ પોલીસે સંયુક્ત રીતે કેદીઓની મુક્તિ માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી છે.

 

LEAVE A REPLY