મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ પેપર લીક કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ શનિવારે માસ્ટરમાઇન્ડ ગણાતા NIT-જમશેદપુરમાથી B.Tech થયેલા એક આરોપીની તથા બે MBBS વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી. MBBSના વિદ્યાર્થીઓ કથિત પેપર સોલ્વર ગેંગના સભ્ય હોવાનો આરોપ છે. આની સાથે નીટ સંબંધિત છ કેસમાં અત્યાર સુધી કુલ 21 આરોપીઓની ધરપકડ થઈ છે. અગાઉ પટણામાંથી ચાર એબીબીએસ વિદ્યાર્થીની ધરપકડ થઈ હતી.
શનિવારે ધરપકડ કરાયેલા બે એમબીબીએસ વિદ્યાર્થીઓ રાજસ્થાનના ભરતપુરની મેડિકલ સ્કૂલના છે. એમબીબીએસના બીજા વર્ષના વિદ્યાર્થી કુમાર મંગલમ બિશ્નોઈ અને પ્રથમ વર્ષના વિદ્યાર્થી દીપેન્દ્ર શર્મા 5 મેના રોજ NEET UGની પરીક્ષા યોજાઈ તે તારીખે હજારીબાગમાં હાજર હતા.આ વિદ્યાર્થીઓએ પંકજ કુમાર નામના આરોપીએ ચોરી કરેલા પેપરને સોલ્વ કરી આપ્યું હોવાનું માનવામાં આવે છે. પંજક કુમારની અગાઉ હજારીબાગમાંથી ધરપકડ કરાઈ હતી અને તે એન્જિનિયર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કે શશીકાંત પાસવાન ઉર્ફે શશી ઉર્ફે પાસુ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, જમશેદપુરમાંથી બીટેક (ઇલેક્ટ્રિકલ)ની ડિગ્રી ધરાવે છે.