કોલકાતામાં ઇસ્કોન મુખ્યાલય ખાતે 28 નવેમ્બરે ઇસ્કોન સાધુએ બાંગ્લાદેશમાં ચિન્મય પ્રભુની ધરપકડ સામે વિરોધ કર્યો હતો.. (ANI Photo)

બાંગ્લાદેશમાં ઇસ્કોનના ધરપકડ કરાયેલા ભૂતપૂર્વ સભ્ય ચિન્મય કૃષ્ણ દાસના બે સહયોગીઓની ચટ્ટોગ્રામમાંથી ગુરુવારે ધરપકડ કરાઈ હતી. એમ કુંડલીધામ મઠના પ્રવક્તાએ શનિવારે જણાવ્યું હતું.જોકે પોલીસે ધરપકડની પુષ્ટિ આપી ન હતી.

કુંડલીધામ મઠના પ્રવક્તા પ્રોફેસર કુશલ બરુણ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે ચિન્મય દાસના સહયોગી આદિનાથ પ્રભુ અને રંગનાથ દાસ તેમના જેલમાં બંધ નેતા માટે ખાવાનું લઈ જતા હતાં, ત્યારે ધરપકડ કરાઈ હતી.

ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન), બાંગ્લાદેશના ભૂતપૂર્વ સભ્ય હિન્દુ પૂજારી દાસની સોમવારે ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારે રાજદ્રોહના કેસમાં ચટ્ટોગ્રામની છઠ્ઠી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેને જામીન નકારી કાઢવામાં આવ્યા હતાં અને જેલમાં મોકલવામાં આવ્યો હતાં.

ચિન્મય દાસની ધરપકડ અને હિન્દુ મંદિરો પરના હુમલા પછી ભારતે શુક્રવારે કહ્યું હતું કે બાંગ્લાદેશની વચગાળાની સરકારે તમામ લઘુમતીઓના રક્ષણની તેની જવાબદારી નિભાવવી જોઈએ. ભારતે હિંદુઓ વિરુદ્ધ હિંસાની વધતી ઘટનાઓ તેમજ મંદિરો પર હુમલા અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી.

વિદેશ પ્રધાન એસ જયશંકરે સંસદમાં જણાવ્યું હતું કે ભારતે બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓની ગંભીર નોંધ લીધી છે અને લઘુમતીઓ સહિત તમામ નાગરિકોના જીવન અને સ્વતંત્રતાનું રક્ષણ કરવાની ઢાકાની પ્રાથમિક જવાબદારી છે.

LEAVE A REPLY