ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલા HMPV વાયરસની ભારતમાં સોમવાર, 6 જાન્યુઆરીએ એન્ટ્રી થઈ હતી. આ વાયરસના અમદાવાદમાં એક અને કર્ણાટકમાં 2 કેસને પુષ્ટી મળી છે. અમદાવાદમાં HMPV વાયરસ આશરે 2 વર્ષની વયના બાળકમાં જોવા મળ્યો છે. દર્દીને અમદાવાદના ચાંદખેડા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
બાળકને છેલ્લા 15 દિવસથી શરદી, તાવ હોવાના કારણે તેની તબિયત વધારે ખરાબ થતા સારવાર માટે ચાંદખેડાની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બાળકને પાંચ દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. જ્યાં રિપોર્ટ કરાવતા HMPVને પુષ્ટી મળી હતી. બાળકની તબિયત હાલ સ્થિર છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચે કર્ણાટકમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)ના બે કેસ શોધી કાઢ્યા છે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું. અહીં ઉલ્લેખીય છે કે કોરોના જેવો આ વાયરસ ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને હવે ભારતમાં પણ તેની એન્ટ્રીને પુષ્ટી મળી છે. કાઉન્સિલે મલ્ટીપલ રેસ્પિરેટરી વાયરલ પેથોજેનના રૂટિન સર્વેલન્સ દરમિયાન આ બે કેસ શોધી કાઢ્યાં હતા.

ભારતના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે બેંગલુરુની બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં દાખલ કર્યા પછી બ્રોન્કોપ્યુમોનિયાના ઇતિહાસ સાથેની ત્રણ મહિનાની બાળકીને HMPV હોવાનું નિદાન થયું હતું. આ બાળકીને હોસ્પિટલમાં રજા પણ અપાઈ હતી.

આ ઉપરાંત આ જ હોસ્પિટલમાં 3 જાન્યુઆરીએ બ્રોન્કોપ્યુનિમોનિયાના ઇતિહાસ સાથેના આઠ મહિના બાળકનું સેમ્પલ પણ HMPV માટે પોઝિટિવ આવ્યું હતું. આ બાળકની તબિયત હવે સુધરી રહી છે.

ઉલ્લેખનીય છે કે આમાંથી કોઈપણ દર્દી આંતરરાષ્ટ્રીય પ્રવાસ કર્યો નથી. HMPV ભારત સહિત વૈશ્વિક સ્તરે પહેલેથી ફેલાયો છે અને તેની સાથે સંકળાયેલ શ્વસન સંબંધી બિમારીઓના કિસ્સાઓ વિવિધ દેશોમાં નોંધાયા છે.વધુમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) નેટવર્કના વર્તમાન ડેટાના આધારે, ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અથવા ગંભીર તીવ્ર શ્વસન બિમારી (SARI) કેસોમાં કોઈ અસામાન્ય વધારો જોવા મળ્યો નથી. મંત્રાલયે કહ્યું કે તે તમામ ઉપલબ્ધ સર્વેલન્સ ચેનલો દ્વારા પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ICMR સમગ્ર વર્ષ દરમિયાન HMPVના ફેલાવા પર નજર રાખશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) પહેલેથી ચીનની પરિસ્થિતિ અંગે સમયસર અપડેટ્સ આપી રહ્યું છે. સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવેલી તાજેતરની સજ્જતા કવાયત દર્શાવે છે કે ભારત શ્વસન સંબંધી બિમારીઓમાં કોઈપણ સંભવિત વધારાને નિયંત્રિત કરવા માટે સુસજ્જ છે

HMPV વાઈરસના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોય​ છે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ, વહેતી નાક અથવા ગળામાં દુખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઈરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.

LEAVE A REPLY