
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર, 17 માર્ચે ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર તુલસી ગબાર્ડેને મળ્યાં હતાં. તેમની મુલાકાત દરમિયાન બંનેએ ભેટોની આપ-લે પણ કરી હતી. મોદીએ યુએસ ઇન્ટેલિજન્સ ચીફને ગંગાજળથી ભરેલું ફૂલદાની ભેટમાં આપ્યું હતું.
અગાઉ તુલસી ગબાર્ડે રવિવાર, 17 માર્ચે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે તથા સોમવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. આ બેઠકોમાં ભારત-અમેરિકા ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે ઇન્ટેલિજન્સ શેરિંગ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરાઈ હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે રાજનાથ સિંહ અને ડોભાલ બંનેએ ખાલિસ્તાની આતંકવાદી મુદ્દો ઉઠાવ્યો હતો, જેમાં ખાસ કરીને અમેરિકન ભૂમિ પરથી કાર્યરત ભારત વિરોધી તત્વો અંગેની ચિંતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રાજનાથ સિંહે ગબાર્ડને પાકિસ્તાની જાસૂસી એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) સાથે SFJના કથિત સંબંધો તેમજ બબ્બર ખાલસા આતંકવાદી જૂથ સાથેના તેના “સહયોગ” વિશે પણ માહિતગાર કર્યા હતાં અને તેની સામે કાર્યવાહી કરવા દબાણ કર્યું હતું. સિંહે ગુરપતવંત સિંહ પન્નુનના નેતૃત્વ હેઠળના SFJ પર ચિંતા વ્યક્ત કરી હતી, જે અમેરિકામાં વિવિધ હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવી રહ્યું છે અને કહ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ બંધ થવી જોઈએ.
તેમણે અજીત ડોભાલના વડપણ હેઠળ યોજાયેલા વિશ્વની ટોચની ગુપ્તચર એજન્સીઓના વડાના સિક્યોરી કોન્ક્લેવમાં હાજરી આપી હતી. આ સંમેલનમાં વિવિધ સુરક્ષા પડકારોનો સામનો કરવામાં સહયોગ વધારવાના માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.
ડોભાલ અને ગબાર્ડે મુખ્યત્વે ગુપ્ત માહિતીની આપ-લેને મજબૂત બનાવવા અને ભારત-અમેરિકા વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી સાથે સુમેળમાં કામ કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રના કોઈ ઉચ્ચ અધિકારીની ભારતની આ પહેલી ઉચ્ચ-સ્તરીય મુલાકાત ભાગરૂપે ગબાર્ડ રવિવારે વહેલી સવારે અઢી દિવસની યાત્રા પર રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચ્યા હતાં.
સિક્યોરી કોન્ક્લેવમાં કેનેડિયન જાસૂસી વડા ડેનિયલ રોજર્સ પણ સામેલ થયા હતાં. ચર્ચાઓ બંધ બારણે યોજાઈ હતી અને તેના પર કોઈ સત્તાવાર નિવેદન જારી કરાયું ન હતું. જોકે એવું માનવામાં આવે છે કે આતંકવાદ અને વિવિધ આંતરરાષ્ટ્રીય ગુનાઓનો સામનો કરવા માટે ગુપ્ત માહિતીની આપ-લે વધારવાના માર્ગો કોન્ક્લેવમાં ચર્ચામાં આવ્યા હતા.ઓસ્ટ્રેલિયા, જર્મની, ન્યુઝીલેન્ડ અને ભારતના અન્ય કેટલાક મિત્ર દેશોના ગુપ્તચર વડાઓએ આ કોન્ક્લેવમાં હાજરી આપી હોવાનું જાણવા મળ્યું હતું. મંગળવારે યુએસ ગુપ્તચર વડા રાયસીના ડાયલોગને પણ સંબોધિત કરશે.
