બાંગ્લાદેશ સરકારના મુખ્ય સલાહકાર અને વચગાળાના નેતા મુહમ્મદ યુનુસે બ્રિટનના લેબર કેબિનેટના સભ્ય અને ટ્રેઝરી તથા સિટી મિનિસ્ટર ટ્યૂલિપ સિદ્દીક અને તેમના પરિવારની મિલકતોની તપાસ કરવા હાકલ કર્યા બાદ આજે તા. 14ના રોજ ટ્યુલિપ સિદ્દીકે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું હતું.
તેમની સામે આક્ષેપ હતો કે તેમણે તેમની માસી શેખ હસીનાના બાંગ્લાદેશના વડા પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર રીતે મિલકતો મેળવી હોઈ શકે છે. કન્ઝર્વેટિવ નેતા કેમી બેડેનોકે પણ સર સ્ટાર્મરને સિદ્દીકને તેમના પદ પરથી દૂર કરવા અપીલ કરી હતી.
રાજીનામુ આપતા પત્રમાં હેમ્પસ્ટેડ અને હાઇગેટના લેબર સાંસદ સિદ્દીકે જણાવ્યું હતું કે ‘’મારી વર્તમાન અને ઐતિહાસિક નાણાકીય અને રહેવાની વ્યવસ્થાની સંપૂર્ણ વિગતો જાહેર કર્યા બાદ વડા પ્રધાનના સ્વતંત્ર સલાહકાર શ્રી લૌરી મેગ્નસે પુષ્ટિ કરી છે કે મેં મિનિસ્ટરીયલ કોડ ઓફ કંડક્ટનો ભંગ કર્યો નથી. આ ઉપરાંત એવો કોઈ પુરાવો પણ નથી કે મેં મારી માલિકીની અથવા જ્યાં રહેતી હતી તે મિલકતોના સંબંધમાં અયોગ્ય રીતે કોઇ કાર્ય કર્યું છે. એવું પણ સૂચવાયું નથી કે મારી કોઈપણ સંપત્તિ “કાયદેસર માધ્યમો સિવાય અન્ય કોઈપણ બાબતોમાંથી પ્રાપ્ત થઈ છે.”
સિદ્દીકે કહ્યું હતું કે ‘’મારા કૌટુંબિક સંબંધો જાહેર રેકોર્ડ પર છે અને જ્યારે હું મિનિસ્ટર બની ત્યારે મેં મારા સંબંધો અને ખાનગી હિતોની સંપૂર્ણ વિગતો સરકારને આપી હતી. મારા માસી બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન હોવાથી હિતોના સંઘર્ષની કોઈપણ ધારણાને ટાળવા માટે બાંગ્લાદેશને લગતી બાબતોથી દૂર રહેવાની મને સલાહ અપાતા મેં સંપૂર્ણ પારદર્શિતા સાથે કાર્ય કર્યું છે. પરંતુ ટ્રેઝરીના ઇકોનોમિક સેક્રેટરી તરીકે મારી લેવા ચાલુ રહેવાથી સરકારના કાર્યથી વિચલિત થવાની શક્યતા હોવાથી મેં મારા મંત્રી પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.’’
ટાઈમ્સ અખબાર સાથેની મુલાકાતમાં, નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસે ગત ગુરુવારે રાજધાની ઢાકામાં તેમના સત્તાવાર નિવાસસ્થાન, જમુના સ્ટેટ ગેસ્ટ હાઉસ ખાતે એક ઇન્ટરવ્યુમાં એમપી સિદ્દીક અને તેમના પરિવારને “તેમની માસીના પદભ્રષ્ટ શાસનના સાથીઓ” દ્વારા ભેટમાં આપવામાં આવેલી મિલકતોના ઉપયોગની નિંદા કરી હતી. જો તેણીને “સાદી લૂંટ”નો લાભ મળ્યો હોય તો તેમણે તે સંપત્તિ બાંગ્લાદેશને પરત કરવાની માંગ કરી હતી. યુનુસે અગાઉની સરકાર કપટપૂર્ણ પ્રથાઓ દ્વારા ભંડોળની ઉચાપત કરવાનો આરોપ મૂક્યો હતો. જો શક્ય હોય તો, અવામી લીગના સાથીઓ દ્વારા ખરીદેલી મિલકતો પરત કરવી જોઈએ અને સિદ્દીકે માફી માંગવી જોઇએ.’’
યુનુસે સિદ્દીક પરિવારના એક “ભ્રષ્ટ” સાથીને ઠપકો આપ્યો જેણે કિંગની ચેરિટીને £250,000 આપ્યા હતા.
ટાઈમ્સ અખબારના બીજા અહેવાલ મુજબ ભ્રષ્ટાચાર બાબતે મિનિસ્ટરને રાજીનામું આપવાના હાકલનો સામનો કરવો પડી રહ્યો છે. ડાઉનિંગ સ્ટ્રીટ પહેલાથી જ ટ્યુલીપનું કોઈ રિપ્લેસમેન્ટ શોધી રહી છે. સન્ડે ટાઇમ્સની તપાસમાં જાણવા મળ્યું હતું કે સન 2000માં, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સમાં નોંધાયેલી ઓફશોર કંપની, પેડ્રોક વેન્ચર્સે આ ફ્લેટ £243,000માં ખરીદ્યો હતો. સિદ્દીક હેમ્પસ્ટેડની આ મિલકતમાં વર્ષોથી રહેતા હતા અને બે બાંગ્લાદેશી બિઝનેસમેન સાથે જોડાયેલા હતા.
બ્રિટનની નેશનલ ક્રાઈમ એજન્સીના અધિકારીઓ ગયા વર્ષે ઢાકાની મુલાકાતે ગયા હતા ત્યારે કહ્યું હતું કે જો આક્ષેપોમાં સત્ય જણાશે તો બાંગ્લાદેશને ચોક્કસ સંપત્તિઓ પાછી મેળવવામાં મદદ કરવાની તૈયારી દર્શાવી છે.
- 42 વર્ષીય સિદ્દીકના પરિવારના ઘણા સભ્યો ઢાકાના પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાના વહીવટીતંત્ર સાથે જોડાયેલા હોવાનો અને તે સૌને ભ્રષ્ટાચાર અને ઉચાપતથી ફાયદો થયો હોવાનો આક્ષેપ કરાય છે.
- ટ્યૂલિપ સિદ્દીકની માતા શેખ રેહાના પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની બહેન છે.
- બાંગ્લાદેશના ભ્રષ્ટાચાર વિરોધી પંચે કહ્યું છે કે તેઓ 2013માં રશિયા સાથે થયેલા પરમાણુ ઉર્જા કરારમાં સિદ્દીકે દલાલી અને લાભ મેળવ્યો હોવાના દાવાની તપાસ કરશે.
- 2013માં સિદ્દીક તેની માસીને મળવા મોસ્કો ગયા હતા અને પ્રેસીડેન્ટ વ્લાદિમીર પુતિનને મળી ફોટા પડાવ્યા હતા.
- સિદ્દીક હાલમાં નોર્થ લંડનના ફિન્ચલીમાં £2.1 મિલિયનની મિલકતમાં ભાડે રહે છે. જે મિલ્કત આવામી લીગના યુકે એક્ઝિક્યુટિવ અબ્દુલ કરીમ નાઝીમની માલિકીની કંપની દ્વારા ખરીદવામાં આવી હતી.
- ગયા વર્ષે, સિદ્દીકે પોતાનું કૌટુંબિક ઘર એક ખાનગી ભાડૂઆતને ભાડે આપ્યું હોવાનું જાહેર કરવામાં નિષ્ફળ ગયા પછી સંસદીય કમિશનર પાસે માફી માંગી હતી.
- સિદ્દીકની માતા, શેખ રેહાના, નોર્થ લંડનના ગોલ્ડર્સ ગ્રીનમાં રહે છે જે અબજોપતિ રાજકારણીના પુત્ર અને હસીનાના સલાહકાર શાયાન રહેમાનની માલિકીનું છે.