બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાને બાંગ્લાદેશમાં પરમાણુ ઉર્જા પ્રોજેક્ટ માટે રશિયા સાથે ભ્રષ્ટ સોદો કરવા માટે મદદ કરવાના અને £3.9 બિલિયન સુધીની ઉચાપત કરવાના આરોપો અંગે લેબર મિનિસ્ટર ટ્યૂલિપ સિદ્દીકની કેબિનેટ ઓફિસની પ્રોપ્રાઇટી અને એથિક્સ ટીમ દ્વારા પૂછપરછ કરાઇ હતી.
બીજી તરફ બાંગ્લાદેશમાં એક એન્ટી-ગ્રાફ્ટ પેનલે રૂપપુર પરમાણુ પાવર પ્લાન્ટમાં USD 5 બિલિયનની ઉચાપત કરવાના આરોપસર ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના, તેના પુત્ર, સજીબ વાઝેદ જોય, અને તેની ભત્રીજી અને યુકેના ટ્રેઝરી મિનિસ્ટર ટ્યૂલિપ સિદ્દીક પર પણ આરોપો મૂક્યા છે.
ટ્રેઝરીના ઇકોનોમિક સેક્રેટરી અને વડા પ્રધાન કેર સ્ટાર્મરના મિત્ર ટ્યૂલિપ સિદ્દીક હેમ્પસ્ટેડ અને હાઈગેટના સાસંદ છે. ટ્યુલીપ પર આરોપ છે કે તેણે તેની કાકી અને બાંગ્લાદેશના તાજેતરમાં પદભ્રષ્ટ કરાયેલા ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને £10 બિલિયનના રૂપપુર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ માટે મદદ કરી હતી.
યુકેમાં રશિયાના સોદા વિશેના ટ્યુલિપના ખુલાસાને ફેસ વેલ્યુ પર સ્વીકારવામાં આવ્યો હતો અને તેણીએ મીટિંગ યોજી હતી તે હકીકત એ દર્શાવતું નથી કે તેના વિશે કોઈ પણ પ્રકારની સિવિલ સર્વિસ તપાસ ચાલુ રહે છે. સિદ્દીક ટિપ્પણી માટે અનુપલબ્ધ હતા પણ કેબિનેટ ઓફિસે કહ્યું હતું કે “અગાઉ કહ્યું છે તેમ, મિનિસ્ટરે કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો છે.”
સિદ્દીક પર રશિયા સાથે 2013ના સોદામાં દલાલી કરવામાં સામેલ હોવાનો આરોપ છે, જેમાં મોટી રકમની રોકડ ઉચાપત કરવામાં આવી હોવાનું કહેવાય છે. તે જ વર્ષે તેણે સોદા માટેના સમારંભમાં રાષ્ટ્રપતિ પુતિન અને તેની કાકી શેખ હસીના સાથે એક પોઝ આપ્યો હતો.
તેણીની નજીકના સૂત્રો કહે છે કે તેણીએ બાંગ્લાદેશી અને રશિયન અધિકારીઓ વચ્ચેની મીટીંગોનું સંકલન કર્યું હોવાના આક્ષેપો “ટ્રમ્પ્ડ અપ આરોપો છે” અને “સંપૂર્ણપણે રાજકીય રીતે પ્રેરિત” છે. તેણીની માન્યતા છે કે તેણી “રાજકીય હિટ જોબ”નો શિકાર બની છે.
સિદ્દીક તે સમયે લેબર કાઉન્સિલર હતા અને 2015માં સાંસદ બન્યા હતા.
ભારતીય કંપનીઓ બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી પશ્ચિમમાં 160 કિમી દૂર આવેલા રૂપપુર પરમાણુ પાવર પ્લાન્ટના નિર્માણમાં ભાગ લઈ રહી છે જે બાંગ્લાદેશમાં રશિયાના સરકારી નિગમ, રોસાટોમ દ્વારા બનાવવામાં આવી રહ્યો છે.