પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફના મુદ્દે ફરી યુ-ટર્ન માર્યો હતો. તેમના વહીવટીતંત્રે આ મહિનાની શરૂઆતમાં જાહેર કરેલા જંગી પારસ્પરિક ટેરિફમાંથી સ્માર્ટફોન, કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ તથા સેમિકન્ડક્ટર બનાવવા માટે વપરાતા મશીનોનોને બાકાત રાખ્યા છે. સરકારના આ નિર્ણયથી અમેરિકાના ગ્રાહકોને ઇલેક્ટ્રોનિકસ પ્રોડક્ટ્સના સંભવિત ભાવવધારામાં રાહત મળશે. આ નિર્ણયથી એપલ અને સેમસંગ સહિતની વિશ્વભરની દિગ્ગજ ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓને પણ ફાયદો થશે.

બ્લૂમબર્ગના રીપોર્ટ મુજબ યુએસ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP)એ શુક્રવારની રાત્રે કઈ પ્રોડક્ટ્સને ટેરિફમાં માફી મળશે તેની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં સમાવેશ થતી પ્રોડક્ટ્સને ચીન પરની ટ્રમ્પની 145 ટકા ટેરિફ તથા વિશ્વના બીજા દેશો પરની 10 ટકાની સાર્વત્રિક કે બેઝલાઇન ટેરિફમાં માફી મળશે.

સ્માર્ટફોન, લેપટોપ કમ્પ્યુટર, હાર્ડ ડ્રાઇવ અને કમ્પ્યુટર પ્રોસેસર અને મેમરી ચિપ્સને ટેરિફમાંથી બાકાત રખાઈ છે. આ લોકપ્રિય કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનું અમેરિકામાં મોટાભાગે ઉત્પાદન થતું નથી અને સ્થાનિક ધોરણે ઉત્પાદન શરૂ કરવામાં ઘણો સમય લાગતો હોય છે.

ટેરિફમાફી ધરાવતી અન્ય પ્રોડક્ટ્સમાં સેમિકન્ડક્ટર બનાવવા માટે વપરાતા મશીનોનો સમાવેશ થાય છે. આનાથી તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની (TSMC) અને અન્ય ચિપ ઉત્પાદકો કંપનીઓને એક મોટી રાહત મળશે. TSMCએ યુ.એસ.માં એક મોટા નવા રોકાણની જાહેરાત કરી છે.

રીપોર્ટ મુજબ ટેરિફના પ્રારંભિક ઓર્ડરના આધારે આ વસ્તુઓને માફી મળી છે. આ આદેશોમાં કેટલાંક ક્ષેત્રો પરની વધારાની ટેરિફને અટકાવવામાં આવી છે. જોકે ટેરિફ માફીની યાદીમાં સામેલ પ્રોડક્ટ્સ પર ટૂંકસમયમાં અલગ ટેરિફ પણ લાદવામાં આવે તેવી શક્યતા છે. જોકે આ ટેરિફ ચીન માટે ચોક્કસપણે નીચી હશે. ટ્રમ્પે વાંરવાર સેમિકન્ડક્ટર્સ માટે ચોક્કસ ટેરિફ લાગુ કરવાનું વચન આપી ચુક્યા છે, પરંતુ હજુ તેનો અમલ કર્યો નથી.

LEAVE A REPLY