કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામાના થોડા કલાકોમાં જ અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ફરી ઓફર કરી હતી.
ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે કેનેડામાં ઘણા લોકો 51મું રાજ્ય બનવાનું પસંદ કરે છે. કેનેડાને અસ્તિત્વ ટકાવી રાખવા માટે અમેરિકાની જંગી સબસિડીની જરૂર છે. અમેરિકા લાંબો સમય સુધી જંગી વેપાર ખાધ અને સબસિડી સહન કરી શકે નહીં. જસ્ટિન ટ્રુડો આ જાણતા હતાં અને તેથી રાજીનામું આપ્યું છે.
ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે જો કેનેડાનું અમેરિકામાં વિલીનીકરણ થઈ જાય તો ત્યાં કોઈ ટેરિફ નહીં હોય, ટેક્સ ખૂબ જ નીચે જશે, અને તેઓ સતત તેમની આસપાસ રહેલા રશિયન અને ચાઇનીઝ જહાજોના જોખમથી સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. સાથે મળીને કેટલું મહાન રાષ્ટ્ર બનશે.
78 વર્ષીય ટ્રમ્પે 2017-2021ના તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ ટ્રુડો સાથે ક્યારેય સારા સંબંધો રાખ્યાં ન હતાં. ટ્રમ્પેનો 5 નવેમ્બરની ચૂંટણીમાં વિજય થયા પછી ટ્રુડો તેમને મળવા આવ્યા હતાં. આ પછી ટ્રમ્પ કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનવાની ઓફર કરી રહી છે. તેમણે અગાઉ ટ્રુડો કેનેડાના ગવર્નર કહીને પણ ચીડવ્યા હતાં.