અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બે અગાઉના કેબિનેટ સભ્યો માઈક પોમ્પિયો અને નિક્કી હેલીને તેમના આગામી વહીવટીતંત્રમાં સામેલ કરવાનો રવિવારે ઇન્કાર કર્યો હતો. અગાઉ માઇક પોમ્પિયો વિદેશ પ્રધાન હતાં અને નિક્કી હેલી સંયુક્ત રાષ્ટ્રના રાજદૂત હતાં.
ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું હતું કે “હું ભૂતપૂર્વ રાજદૂત નિક્કી હેલી અથવા ભૂતપૂર્વ વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં જોડાવા માટે આમંત્રિત કરીશ નહીં.”
પોમ્પિયોએ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં CIA ડિરેક્ટર અને સેક્રેટરી ઑફ સ્ટેટ તરીકે સેવા આપી હતી, જ્યારે હેલીએ તેમના પ્રમુખપદના પ્રથમ બે વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રમાં તેમના રાજદૂત તરીકે સેવા આપી હતી. આ બંને કેબિનેટ રેન્ક ધરાવતા અધિકારીઓ પછી રિપબ્લિકન પ્રાઈમરીઝમાં ટ્રમ્પ સામે પ્રેસિડન્ટ પદની રેસમાં ઉતર્યા હતાં. પોમ્પીઓએ રેસમાંથી વહેલા હટી ગયા હતાં, જ્યારે હેલી આ વર્ષે ફેબ્રુઆરી સુધી ટ્રમ્પ સામે છેલ્લી ચેલેન્જર હતાં પરંતુ જુલાઈમાં વિસ્કોન્સિનમાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શન દરમિયાન ટ્રમ્પને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.