અમેરિકામાં ફરીથી પ્રેસિડેન્ટ પદે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તેઓ 20 જાન્યુઆરીએ કાર્યભાર સંભાળશે તે સાથે જન્મના આધારે આપોઆપ મળતું દેશનું નાગરિકત્વ નાબૂદ કરવાના કામને પ્રાથમિકતા આપશે. જો ટ્રમ્પ આવો મોટો ફેરફાર કરશે તો અમેરિકામાં જન્મેલા 16 લાખ ભારતીયો સહિત લાખ્ખો વિદેશી મૂળના લોકોને દુરોગામી અસર થવાની સંભાવના છે. એક મીડિયા ઇન્ટર્વ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે “અમે તે (કાયદો) નાબૂદ કરવા જઈ રહ્યાં છીએ.” અમેરિકામાં વર્તમાન કાયદા મુજબ અમેરિકાની ધરતી પર જન્મનાર વ્યક્તિને આપોઆપ નાગરિકત્વ મળે છે. બંધારણના 14મા સુધારા આધારિત આ નીતિમાં જણાવ્યું છે કે, અમેરિકામાં જન્મેલા અથવા નાગરિક બનેલા તમામ વ્યક્તિઓ તેમના અધિકારક્ષેત્રને આધિન, અમેરિકા અને તેઓ જ્યાં રહે છે તે રાજ્યના નાગરિકો છે. નંબર્સ યુએસએના રીસર્ચ ડાયરેક્ટર એરિક રુઆર્ક જેવા ટીકાકારો જણાવે છે કે આ કાયદાનો દુરુપયોગ થાય છે. ટ્રમ્પ માને છે કે જન્મસિદ્ધ નાગરિકત્વથી ગેરકાયદે ઇમિગ્રેશન અને ‘બર્થ ટુરિઝમ’ને પ્રોત્સાહન મળે છે. જોકે, બંધારણીય નિષ્ણાતો જણાવે છે કે આ અધિકારને નાબૂદ કરવા માટે બંધારણમાં સુધારો કરવો પડશે અથવા 14મા સુધારાનું ફરીથી અર્થઘટન કરવું પડશે.

જો જન્મને આધારે નાગરિકત્વના હકને નાબૂદ કરશે તો અમેરિકામાં 54 લાખ ભારતીયોએ પડકારોનો સામનો કરવો પડશે. પ્યુ રીસર્ચના 2022 યુએસ સેન્સસ વિશ્લેષણ મુજબ, ભારતીય મૂળના અંદાજે 16 લાખ લોકોનો જન્મ અમેરિકામાં થયો છે અને તેઓ અત્યારે દેશના નાગરિકો છે. આમ કુલ ભારતીય સમુદાયની વસ્તીમાં તેમનું પ્રમાણ 34 ટકા છે. જો જન્મસિદ્ધ નાગરિકત્વ અધિકારને નાબૂદ કરાશે તો દેશમાં જન્મેલા ઇન્ડિયન અમેરિકન બાળકો પાસે નાગરિકત્વનો આપોઆપ પુરાવો રહેશે નહીં. 2009માં ભારતના અંદાજે બે 2 લાખ લોકો અમેરિકામાં ગેરકાયદે રહેતા હતા. આ આંકડો 2014માં વધીને 4.5 લાખ થયો હોવાનો અંદાજ છે.

LEAVE A REPLY