ડોનાલ્ડ જે. ટ્રમ્પે ગત સોમવારે વોશિંગ્ટનમાં અમેરિકાના ૪૭માં પ્રમુખ તરીકે શપથ લીધા એ સાથે જ અમેરિકામાં ફરી ટ્રમ્પયુગનો ઉદય થયો હતો. અમેરિકાના પ્રમુખ તરીકેના પ્રથમ કાર્યકાળ પછી ચૂંટણી હારેલા અને ગયા વર્ષે નવેમ્બરમાં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં ભવ્ય વિજય સાથે ટ્રમ્પે સત્તામાં જબરદસ્ત પુનરાગમન કર્યું છે. તેઓ ચાર વર્ષની બીજી ટર્મ માટે પ્રમુખ બન્યા છે. આ તેમની અતિમ ટર્મ રહેશે. તે અમેરિકાના પ્રભુત્વ, ઇમિગ્રેશન, ટેરિફ અને ઊર્જા જેવા મુદ્દાઓ ઉઠાવીને ચૂંટણીમાં વિજયી થયા છે. અમેરિકાના મુખ્ય ન્યાયાધીશ જૉન રૉબર્ટ્સે તેમને શપથ લેવડાવ્યા હતા. ભારે ઠંડીને કારણે ૪૦ વર્ષમાં પહેલી વાર અમેરિકન પ્રમુખનો શપથગ્રહણ સમારોહ કૅપિટોલ હિલની અંદર યોજાયો હતો. આ સમારોહમાં અનેક દિગ્ગજોએ હાજરી આપી હતી.
શપથ ગ્રહણ પછી પોતાના સંબોધનમાં ટ્રમ્પે 20 જાન્યુઆરીને ‘લિબરેશન ડે’ ગણાવતા કહ્યું હતું કે, અમેરિકાનો ‘સુવર્ણ યુગ’ શરૂ થઈ ગયો છે. ટ્રમ્પે પોતાના પ્રાથમિક એજન્ડા ‘અમેરિકા ફર્સ્ટ’ પર ભાર મૂકતા કહ્યું હતું કે, અમે દેશને સુરક્ષિત, વાજબી અને ઊર્જાના ક્ષેત્રે અગ્રણી બનાવવા સાહસિક પગલાં લઇશું. આ સાથે જ તેઓએ બાઇડેન તંત્રની નીતિ બદલવા અને સીમા સુરક્ષા મજબૂત કરવા માટે અનેક કાર્યકારી આદેશો પણ ફરમાવ્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાએ પહેલાં કરતાં ઘણા વધુ મહાન, મજબૂત અને વધુ અસાધારણ બનવાની જરૂર છે.
પોતાના સંબોધનમાં તેમણે કેટલીક મહત્ત્વની જાહેરાતો કરી હતી જેમાં અમેરિકાની મેક્સિકો સરહદ પર નૅશનલ ઇમર્જન્સીની ઘોષણા સહિતનો સમાવેશ થતો હતો. દેશમાં થર્ડ જેન્ડરની સમાપ્તિની ઘોષણા કરતાં કહ્યું હતું કે દેશમાં હવે બે જ જાતિ હશે – પુરુષ અને સ્ત્રી.
ટ્રમ્પે ડેમોક્રેટિક કમલા હેરિસને પાંચમી નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં હરાવીને વિજય મેળવ્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પર બે હુમલા પણ થયા હતા. અત્યંત કડવાશપૂર્વક લડાયેલી ચૂંટણીમાં ટ્રમ્પનો વિજય અમેરિકાના રાજકીય ઇતિહાસમાં જબરદસ્ત પુનરાગમન મનાય છે. ટ્રમ્પની પહેલા જે. ડી. વાન્સે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે શપથ લીધા હતા. ભારત તરફથી વિદેશ પ્રધાન એસ. જયશંકર વડાપ્રધાન સમારંભમાં હાજર રહ્યા હતા.
આ સમારંભમાં ટ્રમ્પની પત્ની મેલાનિયા, પુત્રી ઇવાન્કા અને તેનો પતિ જેરેડ કુશનર તથા ધનકુબેર ઇલોન મસ્ક, જેફ બેઝોસ અને ટિમ કૂક હાજર હતા. સત્તા સંભાળ્યાના પ્રથમ દિવસે ટ્રમ્પે શ્રેણીબદ્ધ આદેશો પર સહી કરી હતી.
ટ્રમ્પે અમેરિકાના સુવર્ણયુગનું વચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અમેરિકાની સ્થિતિ હાલમાં છે તેનાથી વધારે ખરાબ નહીં થાય. ટ્રમ્પે ભૂતપૂર્વ પ્રમુખ જો બાઇડેન અર્થતંત્રને સંભાળવામાં કેટલી હદ નિષ્ફળ ગયા છે તે અંગે જણાવ્યું હતું કે હું ગયો ત્યારે ફુગાવો ૦.૧ ટકા હતો અને બાઇડેનના શાસનના બે વર્ષમાં જ તે ૯.૧ ટકાએ પહોંચી ગયો હતો, જો કે પછી તે ઘટીને તે હાલમાં ૨.૯ ટકા એટલે કે ત્રણ ટકાની આસપાસ છે. ભૂતપૂર્વ સરકાર કેલિફોર્નિયાની આગ જેવી સ્થાનિક ઘટનાઓ પર ઝડપથી અંકુશ મેળવી શકતી નથી તો તે આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી રીતે છાપ છોડી શકે તેવું તેમણે બાઇડેનની હાજરીમાં જણાવ્યું હતું.
ટ્રમ્પે તેમના શાસનના પ્રથમ દિવસે જ ઇમિગ્રેશન મુદ્દે આકરું વલણ અપનાવ્યું હતું. દક્ષિણ સરહદે ઇમરજન્સીની જાહેરાત કરીને ત્યાં હોમલેન્ડ સીક્યોરિટી સાથે કામ કરવા સુરક્ષા દળોને મોકલી આપવાનો નિર્ણય કર્યો હતો. ટ્રમ્પ માર્ટિન લ્યુથર કિંગના નિમિત્તના ફેડરલ હોલિડેએ પ્રમુખપદ સંભાળનારા ત્રીજા પ્રમુખ બન્યા છે. આ પહેલા બિલ ક્લિન્ટન અને બરાક ઓબામાએ આ દિવસે શપથ લીધા હતા. ટ્રમ્પ અમેરિકાના દોષિત ઠરેલા, સજા પામેલા સૌપ્રથમ ક્રિમિનલ પ્રેસિડેન્ટ છે.
આ અગાઉ, કેપિટોલ-વન એરીયા ઉપરથી શપથ ગ્રહણ પૂર્વે અમેરિકાના ભાવિ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પડકાર સાથે કહી દીધું હતું કે, કાલે સૂરજ ડૂબે તે પહેલા દેશ પર થઈ રહેલું ગેરકાયદે આક્રમણ થંભી જશે.
આ સાથે તેઓએ ટિકટોક તેમજ યુક્રેન યુદ્ધને પણ પોતાના વક્તવ્યમાં આવરી લીધા હતા. ૬ જાન્યુ. ૨૦૨૧ના દિને ગુસ્સે ભરાયેલા જૂથે ધી કેપિટોલ હીલ પર કરેલા આક્રમણની યાદ તાજી કરતાં જણાવ્યું હતું કે, તે રમખાણો અંગે જેમની ઉપર આરોપો મુકાયા છે, તેવા ૧૫૦૦ને તેઓ માફી આપશે. આ વક્તવ્યમાં તેઓએ ફરી એકવાર ‘મેઇક અમેરિકા ગ્રેટ અગેઇન’ (MAGA)નો નારો લગાવ્યો ત્યારે ઉપસ્થિત સર્વેએ તેઓને હર્ષનાદોથી વધાવી લીધા.
તેમણે મેક્સિકો સરહદે થતી ઘૂસણખોરી રોકવા ફરી એકવાર પડકાર ફેંકતા કહ્યું હતું તેમજ અમેરિકામાં ગેરકાયદે ઘૂસી ગયેલાઓને સામુહિક રીતે સ્વદેશ પાછા મોકલવા પણ કહ્યું ત્યારે ફરી તેઓને હર્ષનાદોથી વધાવી લેવાયા હતા કારણ કે આવા ગેરકાયદે ઘૂસણખોરો અમેરિકાના યુવાનોની રોજી છીનવી લે છે.
આ સાથે તેઓએ યુક્રેન યુદ્ધ બંધ કરાવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમજ ટિકટોક વિવાદ ઉકેલવા તથા ઇઝરાયેલ જેમ હવાઈ હુમલા સામે સંપૂર્ણ યોજના ઘડી આયર્ન-ડોમ રચ્યો હતો તેવો જ આયર્ન-ડોમ રચવાનું પણ આ વક્તવ્યમાં કહ્યું હતું.
ગેરકાયદે ઇમિગ્રેશન સામે તવાઇ, મેક્સિન બોર્ડર પર ઇમર્જન્સી
ટ્રમ્પે સોમવાર, 20 જાન્યુઆરીએ પદ સંભાળ્યાના થોડા કલાકો પછી અમેરિકામાં ઇમિગ્રેશન અને આશ્રય પર નવા આકરા પ્રતિબંધોની જાહેરાત કરી જણાવ્યું હતું કે તેઓ યુએસ-મેક્સિકો સરહદ પર સૈનિકો મોકલશે અને જન્મના આધારે નાગરિકતા સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે.
ટ્રમ્પે દક્ષિણ સરહદ પર નેશનલ ઇમર્જન્સની જાહેર કરી હતી અને અમેરિકામાં જન્મેલા કોઈપણ માટે દેશનું નાગરિકત્વ મળવાનો અધિકાર રદબાતલ કરવાના વિવાદાસ્પદ આદેશની જાહેરાત કરી હતી. જોકે પ્રેસિડન્ટે સ્વીકાર્યું હતું કે બંધારણમાં સમાવિષ્ટ અધિકાર ઉલટાવી દેવાના પગલાને સખત કાનૂની પડકારોનો સામનો કરવો પડશે, પરંતુ તે જરૂરી છે. અન્ય એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં ટ્રમ્પે યુએસ-મેક્સિકો સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે હું કાયદેસર ઇમિગ્રેશનને યોગ્ય માનું છું. મને તે ગમે છે. અમને લોકોની જરૂર છે, અને હું તેની સાથે એકદમ સંમત છું. અમે તે મેળવવા માંગીએ છીએ, પરંતુ ઇમિગ્રેશન કાયદેસર હોવું જોઇએ.
વ્હાઇટ હાઉસના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી અન્ના કેલીએ અગાઉ જાહેરાત કરી હતી કે વહીવટીતંત્ર અસાયલમ આપવાની પ્રથા પણ નાબુદ કરશે.