ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિવા (Photo by Alex Wong/Getty Images)

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ શુક્રવારે ચેતવણી આપી હતી કે 2025માં ખાસ કરીને અમેરિકાની વેપાર નીતિને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં ઊંચી અનિશ્ચિતતા જોવા મળી શકે છે. અમેરિકાના નવા વહીવટીતંત્રની ટેરિફ, ટેક્સ અંગેની નીતિઓ પર વિશ્વભરની નજર છે. આ અનિશ્ચિતતાથી વૈશ્વિક અર્થતંત્ર સામેના અવરોધમાં વધારો થઈ શકે છે. અમેરિકામાં જો બાઇડનની જગ્યાએ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ 47માં પ્રેસિડન્ટ તરીકે શપથ લઈ રહ્યાં છે. 78 વર્ષીય ટ્રમ્પે ચીન, કેનેડા અને મેક્સિકો જેવા દેશો પર વધારાની ટેરિફ લાદવાની યોજના જાહેર કરી છે. તેમણે ટેરિફનો એક નીતિવિષયક હથિયાર તરીકે ઉપયોગ કરવાની જાહેરાત કરેલી છે.

શુક્રવારે પત્રકારોના જૂથ સાથેના વાર્ષિક મીડિયા રાઉન્ડટેબલમાં તેમણે જણાવ્યું હતું કે 2025માં વૈશ્વિક વૃદ્ધિદર સ્થિર રહેવાની અપેક્ષા છે, પરંતુ પ્રાદેશિક સ્તરે આર્થિક વૃદ્ધિ અલગ અલગ રહી શકે છે. 2025માં ભારતીય અર્થતંત્ર થોડું નબળું પડવાની ધારણા છે. જોકે તેમણે આ અંગે કોઇ વધુ સ્પષ્ટતા કરી ન હતી.

અર્થતંત્રોના ભાવિ અંગે તેમણે જણાવ્યું હતું કે અમારી અગાઉની ધારણા કરતાં અમેરિકાનું અર્થતંત્ર ઘણો સારો દેખાવ કરી રહ્યું છે. યુરોપિયન યુનિયનનું અર્થતંત્ર કંઇ અંશે અટકી ગયું છે. અને ભારત થોડું નબળું છે. બ્રાઝિલ કંઈક અંશે ઊંચા ફુગાવાનો સામનો કરી રહ્યું છે. વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા અર્થતંત્રમાં ડિફ્લેશનરી દબાણ છે અને તે સ્થાનિક માગના પડકારોનો સામનો કરી રહ્યું છે.

જ્યોર્જિવાએ જણાવ્યું હતું કે ઓછી આવક ધરાવતા દેશોએ તમામ પ્રયાસો કર્યા છે, આમ છતાં તેઓ એવી સ્થિતિમાં છે કે જો કોઇ નવો આંચકો આવે તો તેમને ઘણી નકારાત્મક અસર થઈ શકે છે. 2025માં અમને ખાસ કરીને આર્થિક નીતિના સંદર્ભમાં ઘણી બધી અનિશ્ચિતતાની ધારણા છે. અમેરિકાના અર્થતંત્રનું કદ અને તેની ભૂમિકા ઘણી જ મોટી છે, તેથી આગામી વહીવટીતંત્ર (ટ્રમ્પ) ખાસ કરીને ટેરિફ, ટેક્સ, ડિરેગ્યુલેશન અને સરકારની કાર્યક્ષમતાના સંદર્ભમાં કેવી નીતિઓ અપનાવે છે તેના પર વિશ્વભરની ચાંપતી નજર છે. આ અનિશ્ચિતતા ખાસ કરીને આગામી સમયગાળાની વેપાર નીતિ સંબંધિત છે. તેનાથી વૈશ્વિક અર્થતંત્ર સામેના અવરોધમાં વધારો થશે. આ અનિશ્ચિતતાથી વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે વધુ જોડાયેલા, મધ્યમકદના અર્થતંત્રો ધરાવતા દેશોને વધુ અસર થશે. એક પ્રદેશ તરીકે તેની એશિયાને પણ અસર થશે.

IMFના વડાએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે લાંબા ગાળાના ઊંચા વ્યાજદરોમાં આ અનિશ્ચિતતાનું પ્રતિબંધ પડે છે. વિશ્વભરમાં ફુગાવામાં ઘટાડો થવાની ધારણા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે આપણે જાણીએ છીએ કે ફુગાવા સામે લડત આપવા માટે ઊંચા વ્યાજદર જરૂર છે. ઊંચા વ્યાજદરોથી વૈશ્વિક અર્થતંત્રમાં મંદીમાં ગયું નથી. તેના ઇચ્છિત પરિણામો મળ્યાં છે. ઊભરતા દેશો કરતાં વિકસિત દેશોમાં ફુગાવો વધુ ઝડપથી તેના ટાર્ગેટ પર પરત આવી રહ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે વિકસિત દેશોના ચલણો અને ઊભરતા દેશોના ચલણો સામે મજબૂત ડોલરથી ઊભરતા બજારોના અર્થતંત્રો અને ખાસ કરીને નીચી આવક ધરાવતા દેશોમાં ફંડિંગ ખર્ચમાં વધારો થઈ શકે છે. તેમણે ઊભરતા દેશોને નીચી-વૃદ્ધિ અને ઊંચા દેવાની સમસ્યાનો ઉકેલ લાવવાનો અનુરોધ કર્યો હતો. દેશોએ ભાવ સ્થિરતાના માર્ગ પર આગળ વધવાની જરૂર છે, દેશોએ તબક્કાવાર ધોરણે નાણાકીય શિસ્ત લાવવાની જરૂર છે. તેઓએ તાત્કાલિક એવા સુધારા અપનાવવાની જરૂર છે જે વૃદ્ધિ તરફી હોય અને ટકાઉ રીતે વૃદ્ધિને વેગ આપે. ટૂંકા ગાળાના દરો નીચે જઈ રહ્યા છે. લાંબા ગાળાની યીલ્ડ વધી રહી છે.

LEAVE A REPLY