અમેરિકામાં પાંચ નવેમ્બરે યોજાયેલી પ્રેસિડન્ટની ચૂંટણીના મતગણતરીના અંદાજ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના હરીફ કમલા હેરિસ સામે સરસાઈ મેળવી હતી. ઇલેક્ટોરલ કૉલેજ આંકડાના સંદર્ભમાં જોઇએ તો ભૂતપૂર્વ પ્રેસિડન્ટ 247 ઇલેક્ટોરલ વોટ સાથે આગળ હતા, જ્યારે હેરિસ 210 વોટ મળ્યા હતા. ટ્રમ્પ અને હેરિસ વચ્ચે કુલ કુલ 538 ઇલેક્ટોરલ કૉલેજ વોટ માટે રસાકસી છે. ચૂંટણીમાં 270 કે તેથી વધુ ઇલેક્ટ્રોલ વોટ મેળવનારા ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે છે.
હાલના ટ્રેન્ડ મુજબ ટ્રમ્પ સાત બેટલગ્રાઉન્ડ રાજ્યોાંથી છ રાજ્યોમાં આગળ હતાં. પેન્સિલવેનિયા, એરિઝોના, જ્યોર્જિયા, મિશિગન, નેવાડા, નોર્થ કેરોલિના અને વિસ્કોન્સિન સહિતના સાત સ્વિંગ અથવા બેટલગ્રાઉન્ડ રાજ્યો યુનાઇટેડ સ્ટેટ્સના 47માં પ્રેસિડન્ટ કોણ હશે તે નક્કી કરે તેવી અપેક્ષા છે. ટ્રમ્પ અને હેરિસ વચ્ચેનો મુકાબલો જોરદાર રીતે લડાઈ રહ્યો છે.
19 ઈલેક્ટોરલ કોલેજ વોટ સાથે સાત બેટલગ્રાઉન્ડ રાજ્યોમાં પેન્સિલવેનિયા સૌથી મહત્વપૂર્ણ રાજ્ય તરીકે ઉભરી આવ્યું હતું. નોર્થ કેરોલિના અને જ્યોર્જિયામાં 16, મિશિગનમાં 15 અને એરિઝોનામાં 11 ઇલેક્ટોરલ વોટ છે. બીજા બેટલગ્રાઉન્ડ રાજ્યોમાં વિસ્કોન્સિનમાં 10 અને નેવાડામાં છ ઇલેક્ટ્રોરલ વોટ છે. અમેરિકામાં 50 રાજ્યો છે અને તેમાંથી સ્વિંગ રાજ્યો સિવાય મોટાભાગના રાજ્યો દરેક ચૂંટણીમાં એક જ પક્ષને મત આપે છે. વસ્તીના આધારે, રાજ્યોને ઇલેક્ટોરલ કૉલેજ વોટ આપવામાં આવે છે.
વિશ્વની મહાસત્તા અમેરિકામાં નવા પ્રેસિડન્ટને ચૂંટી કાઢવા માટે 5 નવેમ્બરે મતદાન થયું હતું. દેશના સર્વોચ્ચ હોદ્દા માટે ભારતીય મૂળના ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ગળાકાપ સ્પર્ધા જોવા મળી હતી.ચૂંટણીનું પરિણામ 6 નવેમ્બરે સ્પષ્ટ થવાની આશા છે, પરંતુ ચૂંટણી પહેલાના તમામ સર્વેમાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ગળાકાપ સ્પર્ધાની આગાહી કરાઈ હોવાથી અંતિમ પરિણામમાં વિલંબ પણ થઈ શકે છે. આ ચૂંટણીને ઐતિહાસિક ગણાવવામાં આવી રહી છે કારણ કે તે છેલ્લા કેટલાક દાયકાઓમાં પ્રમુખપદની સૌથી વધુ રસાકસી ભરેલી રેસ છે.
ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે એકતા, આશાવાદ અને મહિલાઓના અધિકારોના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. બીજી તરફ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે હારના કિસ્સામાં તેઓ ચૂંટણીના પરિણામનો સ્વીકાર ન પણ કરે. એકંદરે 60 વર્ષીય કમલા હેરિસ અને 78 વર્ષીય ટ્રમ્પ બંને વચ્ચે ભારે રસાકસી છે.
જો કમલા હેરિસ રેસ જીતી જશે તો ઈતિહાસ રચાશે, કારણ કે તેઓ પ્રથમ મહિલા, પ્રથમ અશ્વેત મહિલા અને દક્ષિણ એશિયાઈ વંશની પ્રથમ પ્રમુખ બનશે. છેલ્લા કેટલાક દિવસોના પ્રચારમાં દરમિયાન કમલા હેરિસ ચૂંટણીને દેશની મૂળભૂત સ્વતંત્રતાઓના રક્ષણ, બંધારણીય મૂલ્યોના રક્ષણ અને મહિલાઓના અધિકારોને સુનિશ્ચિત કરવાના મુદ્દા ઉઠાવ્યા હતાં. બીજી તરફ ટ્રમ્પે તેમની ચૂંટણી રેલીઓમાં અર્થતંત્રના પુનઃનિર્માણ અને યુએસને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સથી મુક્તિ આપવાનું વચન આપ્યું હતું.
સમગ્ર અમેરિકામાં વહેલા અને મેલ-ઇન મતદાનને ટ્રેક કરતી યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાની ઇલેક્શન લેબ અનુસાર 7.8 કરોડથી વધુ અમેરિકનો પહેલેથી જ તેમના મત આપી ચૂક્યા છે.
પિટ્સબર્ગમાં તેમની રેલીમાં ટ્રમ્પે બાઇડન-હેરિસ વહીવટીતંત્ર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે અમેરિકન લોકોએ છેલ્લા ચાર વર્ષમાં આપત્તિજનક નિષ્ફળતા, વિશ્વાસઘાત અને અપમાન સહન કર્યાં છે. આપણે નબળાઈ, અસમર્થતા, પતન સાથે સમાધાન કરવાની જરૂર નથી. આવતીકાલે તમારા મતથી અમે દેશ સામેની દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકીશું તથા અમેરિકા અને ખરેખર સમગ્ર વિશ્વને ગૌરવની નવી ઊંચાઈઓ પર લઈ જઈશું. આપણા દેશના ઈતિહાસની સૌથી મહત્વની રાજકીય ઘટનાથી એક દિવસ દૂર છીએ, પરંતુ તમારે બહાર નીકળીને મત આપવો પડશે. આપણે સાથે મળીને અમેરિકાને ફરીથી મહાન બનાવીશું.
ચૂંટણીના દિવસ પહેલાની અંતિમ રેલીઓમાં હેરિસે ટ્રમ્પની વિભાજનકારી નીતિઓનો અંત લાવવાનું વચન આપ્યું હતું અને દેશને વધુ સારા ભવિષ્ય તરફ લઈ જવા માટે એકતાથી કામ કરવા હાકલ કરી હતી. વાઇસ પ્રેસિડન્ટે પણ લોકોને ઘરની બહાર નીકળીને મતદાન કરવાની હાકલ કરી હતી.