અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીએ તેમના શપથગ્રહણ સમારંભ માટે પરંપરા તોડીને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ સહિત વિશ્વના નેતાઓને વ્યક્તિગત આમંત્રણો આપ્યા છે. તેમણે અલ સાલ્વાડોરના પ્રમુખ નાયીબ બુકેલે અને ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની જેવા નેતાઓ પણ મહેમાનોની યાદીમાં સામેલ છે. અમેરિકામાં પ્રમુખનો શપથગ્રહણ સમારંભ સામાન્ય રીતે ઘરેલુ બાબત હોય છે અને તેના 248 વર્ષના ઇતિહાસમાં હજુ સુધી વૈશ્વિક નેતાઓ સામેલ થયા હોવાનો કોઇ રેકોર્ડ નથી.
ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારંભમાં ભારતના પ્રતિનિધિ તરીકે વિદેશ પ્રધાન એસ જયશંકર હાજરી આપશે. જયશંકર તેમની યુએસ મુલાકાત દરમિયાન આગામી ટ્રમ્પ વહીવટીતંત્રના પ્રતિનિધિઓ સાથે પણ બેઠકો કરશે.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “ટ્રમ્પ-વેન્સ શપથગ્રહણ સમિતિના આમંત્રણ પર, વિદેશ પ્રધાન એસ જયશંકર અમેરિકાના 47માં પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ જે ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરશે. જેડી વેન્સ અમેરિકાના નવા વાઇસ પ્રેસિડન્ટ બનશે.
ગયા મહિને, જયશંકરે કહ્યું હતું કે ટ્રમ્પનો ભારત પ્રત્યે સકારાત્મક રાજકીય દૃષ્ટિકોણ છે અને ભારત તેમના વહીવટ સાથે “ઊંડા” સંબંધો બનાવવા અને દ્વિપક્ષીય સંબંધોને આગળ લઈ જવા માટે અન્ય ઘણા દેશો કરતાં વધુ ફાયદાકારક સ્થિતિમાં છે.
પરંપરાગત રીતે, યુએસ પ્રમુખના શપથગ્રહણ સમારોહમાં વિશ્વના નેતાઓને આમંત્રણ આપવામાં આવતું નથી. પરંતુ ટ્રમ્પે આ વખતે પરંપરા તોડી છે. રિપબ્લિકન નેતાએ ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ સહિત કેટલાક નેતાઓને વ્યક્તિગત આમંત્રણ મોકલ્યા છે. વોશિંગ્ટન ડીસી અને બેઇજિંગ વચ્ચેની રાજકીય દુશ્મનાવટની વચ્ચે આ મોટી હિલચાલ છે.