અમેરિકાના વાણિજ્ય પ્રધાન હોવર્ડ લુટનિકનો દાવો ખરેખર સાચો હોય તો 5 મિલિયન ડોલરમાં કાયમી રેસિડન્સી અને વૈકલ્પિક નાગરિકતા આપતી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ‘ગોલ્ડ કાર્ડ’ અથવા ‘ગોલ્ડન વિઝા’ સ્કીમ સુપરહીટ સાબિત થઈ છે. હોવર્ડે દાવો કર્યો હતો કે કાર્ડ ખરીદવા લાંબી કતાર લાગી હતી અને એક જ દિવસમાં 1,000 ‘ગોલ્ડ કાર્ડ’ વેચાયાં હતાં.
‘ઓલ-ઇન પોડકાસ્ટ’ પર લુટનિકે જણાવ્યું હતું કે આ પ્રોગ્રામ લગભગ બે અઠવાડિયામાં સત્તાવાર રીતે શરૂ થશે અને ઇલોન મસ્ક હાલમાં સોફ્ટવેર બનાવી રહ્યા છે, અને પછી તે લગભગ બે અઠવાડિયામાં અમલી બનશે. દરમિયાન ગઈકાલે જ મેં એક હજાર કાર્ડ વેચ્યાં હતાં. જો તમે યુએસ નાગરિક છો, તો તમારે વૈશ્વિક ટેક્સ ચૂકવવો પડતો હોય છે. તેથી બહારના લોકો યુએસમાં વૈશ્વિક કર ચૂકવવા નહીં આવે. તેથી જો તમારી પાસે ગ્રીન કાર્ડ છે, હવે ગોલ્ડ કાર્ડ છે, તો તમે અમેરિકાના કાયમી નિવાસી બનશો (કર ચૂકવ્યા વિના). તમે નાગરિક બનવાનું પસંદ કરી શકો છો, પરંતુ તમારે બનવાની જરૂર નથી. આ યોજનાની જાહેરાત કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ગોલ્ડ કાર્ડની સંખ્યા પર કોઈ વાર્ષિક મર્યાદા રહેશે નહીં.
