અમેરિકામાં નવનિર્વાચિત પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી ડેલાઇટ સેવિંગ ટાઇમ (DST)ને નાબૂદ કરવાનો પ્રયાસ કરશે, જે દેશ માટે ખૂબ જ અસુવિધાજનક અને ખર્ચાળ છે.
સરકારના કાર્યક્ષમતા વિભાગના બે વડાઓ ઇલોન મસ્ક અને વિવેક રામાસ્વામીએ તાજેતરમાં આ વ્યવસ્થાને નાબૂદ કરવાનું સૂચન કર્યું હોવાથી ટ્રમ્પની આ જાહેરાત અપેક્ષિત હતી. અમેરિકામાં ડીએસટી હેઠળ પ્રત્યેક વર્ષે માર્ચના બીજા રવિવારે ઘડિયાળનો કાંટો એક કલાક પાછળ કરી દેવાય છે અને નવેમ્બરના પહેલા રવિવારે તેને એક કલાક આગળ કરી દેવાય છે. દુનિયાના અનેક દેશોમાં શિયાળામાં દિવસ ખૂબ જ નાનો થઈ જાય છે અને રાત વધુ પડતી લાંબી બને છે. અમેરિકામાં પ્રત્યેક વર્ષે માર્ચ અને નવેમ્બરમાં બે વખત સ્થાનિક સમય ૨.૦૦ કલાકે સમય બદલવામાં આવે છે.
પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર શુક્રવારે એક પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, રિપબ્લિક પાર્ટી ડેલાઈટ સેવિંગ ટાઈમ દૂર કરવા માટે બધા જ પ્રયત્નો કરી છૂટશે. ડીએસટી આપણા રાષ્ટ્ર માટે હવે પ્રતિકૂળ અને ખૂબ મોંઘી વ્યવસ્થા છે.અમેરિકા અને યુરોપના અનેક દેશો ઉત્તરીય ધ્રુવની નજીક હોવાને કારણે ડે લાઈટ સેવિંગ્સનો ઉપયોગ કરે છે.