અમેરિકાના 47માં પ્રમુખ તરીકે શપથ લીધા પછી તરત જ ડોનાલ્ડ ટ્રમ્પ ઇમિગ્રેશન, સરહદ સુરક્ષા, ઉર્જા અને શાસન સંબંધિત સંખ્યાબંધ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરે તેવી શક્યતા છે. એક્ઝિક્યુટિવ ઓર્ડર પ્રેસિડન્ટે જારી કરેલો એકપક્ષીય આદેશ છે. એક્ઝિક્યુટિવ ઓર્ડરને કોંગ્રેસની મંજૂરીની જરૂર પડતી નથી.
વરિષ્ઠ રિપબ્લિકન નેતાઓને કરેલા બ્રીફિંગમાં વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલરે જાહેર કર્યું હતું કે આ આદેશોમાં દક્ષિણ સરહદ પર કટોકટી જાહેર કરવી, સરહદો પર લશ્કરી તૈનાતની તૈયારી કરવી, કાર્ટેલને “વિદેશી આતંકવાદી સંગઠનો” તરીકે વર્ગીકૃત કરવા “રિમેઇન ઇન મેક્સિકો”, “કેચ એન્ડ રીલિઝ” નીતિની સમાપ્તિ વગેરેનો સમાવેશ થાય છે. ઊર્જા સંબંધિત ઇમર્જન્સી જાહેર કરવાનો પણ તેમાં સમાવેશ થાય છે.
બીજા આદેશોમાં ઑફશોર અને આર્કટિક ડ્રિલિંગ, પાઇપલાઇન લાયસન્સ/બાંધકામને ઝડપી બનાવવા, સરકારી કર્મચારીઓને દૂર કરવા માટેના સુધારા અને ડાઇવર્સિટી,ઇક્વિટી એન્ડ ઇન્ક્લૂઝન પ્રોગ્રામ (DEI)ની નાબૂદીનો પણ સમાવેશ થાય છે.
ડાઉનટાઉન વોશિંગ્ટનમાં ટ્રમ્પની ‘વિજય રેલી’માં એક્ઝિક્યુટિવ ઓર્ડર્સના સંકેત આપતા મિલરે કહ્યું હતું કે ટ્રમ્પ હંમેશા આપણા બધા માટે લડતા રહ્યા છે. સરહદ પરના આક્રમણને સમાપ્ત કરવાનો, ગેરકાયદેસર વસાહતીઓને ઘરે મોકલવાનોના આદેશ જારી કરાશે.