
વડા પ્રધાને ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા વધુ ટેરિફ લાગુ કરવાના પ્રતિભાવ અંગે તથા તેમની અને ચાન્સેલરની જેગુઆર લેન્ડ રોવર ફેક્ટરીની મુલાકાત બાબતે તા. 8ના રોજ કેબિનેટને માહિતી આપી હતી.
તેમણે ટેરિફની અસરોને પ્રત્યક્ષ રીતે જોઈ દેશના મુખ્ય ઉદ્યોગોને સુરક્ષિત રાખવા અને વ્યાપક અર્થતંત્રને ટેકો આપવાના સરકારના સંકલ્પ પર ભાર મૂક્યો હતો. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે બિઝનેસીસ સ્પષ્ટ છે કે તેઓ સરકાર તરફથી શાંત અને વ્યવહારિક પ્રતિભાવ ઇચ્છે છે, આર્થિક સોદા પર યુએસ સાથે સતત વાતચીત ઇચ્છે છે અને ઉપલબ્ધ તમામ વિકલ્પો માટે તૈયારીઓ કરી રહ્યા છે.
વડા પ્રધાન સ્ટાર્મરે કહ્યું હતું કે ‘’યુકેને રોકાણ માટે એક સ્થળ તરીકે મજબૂત બનાવવા માટે ઔદ્યોગિક નીતિને વેગ આપવા માટે કાર્ય કરવું જોઈએ. ખુલ્લા, વેપારી રાષ્ટ્ર તરીકે આપણે વેપાર અવરોધો ઘટાડવા માટે વિશ્વભરના ભાગીદારો સાથે સંપર્ક કરવો જોઈએ.’’
બિઝનેસ એન્ડ ટ્રેડ સેક્રેટરી રેનોલ્ડ્સે ઉમેર્યું હતું ‘’બિઝનેસ સમુદાયે સરકારના શાંત પ્રતિભાવને ટેકો આપ્યો છે. સરકાર વેપાર અને રોકાણ સોદાઓને આગળ ધપાવી રહી છે અને હું આ અઠવાડિયે ભારત સાથેના કરાર માટે પ્રગતિ ચાલુ રાખીશ. સરકાર હંમેશા રાષ્ટ્રીય હિતમાં બ્રિટિશ બિઝનેસીસ અને લોકોને ટેકો આપવા માટે કામ કરશે અને વધુ સુરક્ષિત અને સ્થિતિસ્થાપક અર્થતંત્ર બનાવવા માટે સક્રિય નિર્ણયો લેશે. યુકે યુએસ સાથે આર્થિક સોદો કરવાનું ચાલુ રાખશે તથા ભારત, ગલ્ફ અને EU સહિત અન્ય દેશો સાથે વધુ સારા વેપાર સંબંધો બનાવશે.’’
