અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાં જો ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ચૂંટાશે તો લાખો માઇગ્રન્ટ્સને દેશનિકાલ કરવાની, મોંઘા ટેક્સ લાદવાની સાથે વૈશ્વિક વેપારની ફરીથી રચના કરવાની અને સરકારમાં વફાદારોને સ્થાન આપવાની યોજના ધરાવે છે. ટ્રમ્પે કેટલીક નીતિઓને લાગુ કરવાનો સંકલ્પ લીધો છે.
આ સંકલ્પ અંતર્ગત રીપબ્લિકન ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી તમામ વસ્તુઓ પર 10 ટકા અથવા વધુ ટેક્સનો વિચાર રજૂ કર્યો છે. તેઓ કહે છે કે આ પગલાંથી વેપાર ખાધને દૂર કરાશે. પરંતુ ટીકાકારો કહે છે કે, આ પગલું અમેરિકન ગ્રાહકો માટે ઊંચા ભાવ અને વૈશ્વિક આર્થિક અસ્થિરતા તરફ લઇ જશે.

તેમણે કેટલીક વિદેશી કાર પર 200 ટકા ટેક્સ લાદવાની ધમકી આપી છે. ટ્રમ્પે ખાસ કરીને ચીન પર નિશાન સાધ્યું હતું. તેમણે ચાર વર્ષમાં ઇલેક્ટ્રોનિક્સ, સ્ટીલ અને ફાર્માસ્યુટિકલ્સ જેવી વસ્તુઓની ચીની આયાતને તબક્કાવાર બંધ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેઓ ચીની કંપનીઓને ઊર્જા અને ટેકનોલોજી ક્ષેત્રોમાં અમેરિકન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માલિકીથી પ્રતિબંધિત કરવા ઇચ્છે છે. ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા હોદ્દા પરના ભ્રષ્ટ લોકોની હકાલપટ્ટી કરવાની અને તેમના રાજકીય વિરોધીઓને દૂર કરવાનો સંકલ્પ લીધો છે. ટ્રમ્પે કહ્યું હતું કે, તે દરેક ફેડરલ કર્મચારીને તેમની પોતાની બનાવેલી નવી સિવિલ સર્વિસ ટેસ્ટ પાસ કરવાની જરૂર પડશે, જોકે આ માટેની તેમની કેટલીક સત્તાઓ મર્યાદિત છે. તેઓ કાયદા દ્વારા સુરક્ષિત છે તેવા ફેડરલ વ્હિસલબ્લોઅર્સ સામે કડક કાર્યવાહી કરશે અને અમેરિકન ગુપ્તચર એજન્સીઓનું “ધ્યાન” રાખવા માટે એક સ્વતંત્ર સંસ્થાની સ્થાપના કરશે. ટ્રમ્પે પોતાના રાજકીય દુશ્મનોની તપાસ માટે ફેડરલ તપાસ એજન્સીઓનો ઉપયોગ કરવાનું વચન આપ્યું છે. તેઓ ડેમોક્રેટિક પ્રેસિડેન્ટ જો બાઇડેન સામેની તપાસ માટે સ્પેશિયલ પ્રોસીક્યુટર્સની નિમણૂક કરવાનું વિચારશે, જોકે તેમણે આવી તપાસ માટેના કારણોનો ઉલ્લેખ કર્યો નથી.
તેમણે કહ્યું છે કે તેઓ અમેરિકાને પેરિસ ક્લાઈમેટ એકોર્ડ્સમાંથી બહાર કાઢશે, જે વૈશ્વિક સ્તરે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવા માટેનું માળખું છે, અને પરમાણુ ઊર્જા ઉત્પાદનમાં વધારો કરવામાં મદદ કરશે.

LEAVE A REPLY