અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન પૂણેમાં તેના પ્રથમ કમર્શિયલ રીઅલ એસ્ટેટ બિઝનેસ- ટ્રમ્પ વર્લ્ડ સેન્ટરનું નિર્માણ કરી રહ્યું છે. આ સાથે તેઓ ભારતમાં તેમનો બિઝનેસ વધુ વિકસાવી રહ્યા છે. આ ઓર્ગેનાઇઝેશને ટ્રિબેકા ડેવલપર્સ અને કુંદન સ્પેસ સાથે ભાગીદારી કરીને, 4.3 એકરમાં ફેલાયેલા બે ટાવરના ઓફિસ કોમ્પ્લેક્સની યોજનાની જાહેરાત કરી હતી, જેના દ્વારા તેઓ 289 મિલિયન ડોલરથી વધુની પ્રોપર્ટીનું વેચાણ કરશે તેવી અપેક્ષા છે.
પૂણેના નોર્થ મેઇન રોડ ડિસ્ટ્રિક્ટમાં સ્થિત આ પ્રોજેક્ટમાં 27 માળથી વધુ અને 1.6 મિલિયન ચોરસ ફૂટ ઓફિસ સ્પેસ ઉપલબ્ધ થશે, જેમાં એક ટાવરમાં વેચાણથી ઓફિસ ઉપલબ્ધ થશે અને બીજામાં ભાડેથી પ્રોપર્ટી મેળવી શકાશે. આ પ્રોજેક્ટ 2029 સુધીમાં પૂર્ણ થશે. ઓર્ગેનાઇઝેશનના અગાઉથી જ પૂણે, મુંબઈ, ગુરુગ્રામ અને કોલકાતામાં ટ્રમ્પના નામે ચાર ટાવર છે. ભારતમાં ટ્રમ્પ ટાવર્સનું બિઝનેસ મોડેલ બ્રાન્ડ લાઇસન્સિંગ વ્યૂહરચના આધારિત છે. ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન ભારતમાં રીઅલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં સીધું રોકાણ કરતું નથી. તેના બદલે, તેઓ ભારતીય રીઅલ એસ્ટેટ ડેવલપર્સને ‘ટ્રમ્પ’ નામનું લાઇસન્સ આપે છે જેઓ ટ્રમ્પ બ્રાન્ડ હેઠળ વૈભવી પ્રોપર્ટીનું નિર્માણ અને વેચાણ કરે છે, તેવું એક મીડિયા રીપોર્ટમાં જણાવ્યું હતું. ભારતીય ડેવલપર્સ ટ્રમ્પ-બ્રાન્ડેડ પ્રોપર્ટીનું ફાયનાન્સ, નિર્માણ અને વેચાણ કરે છે.
આ અંગે ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ એરિક ટ્રમ્પે ભારતમાં બ્રાન્ડની સફળતા વિશે ભારપૂર્વક કહ્યું હતું કે, “ભારતે ઉત્સાહ સાથે ટ્રમ્પ બ્રાન્ડને સ્વીકારી છે. અનેક જાણીતા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સમાં સફળ થયા પછી, અમને ભારતમાં અમારું પ્રથમ કમર્શિયલ નિર્માણ શરૂ કરવાનું ગર્વ છે.”

LEAVE A REPLY