અમેરિકામાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા ટોચની લો ફર્મ્સ, પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ પછી હવે દેશના જુદા જુદા નાગરિક સમુદાયોને સમર્થન આપી રહેલા હિમાયતી જૂથો (સિવિલ સોસાયટી ગ્રુપ)ને ટાર્ગેટ બનાવ્યા છે. આ અંગે ટ્રમ્પે ગત ગુરુવારે જણાવ્યું હતું કે, તેમનું તંત્ર ફક્ત હાર્વર્ડ જ નહીં, પરંતુ પર્યાવરણીય જૂથો અને વિશેષમાં તો એથિક્સ વોચડોગ ઓર્ગેનાઇઝેશન- સિટીઝન્સ ફોર રીસ્પોન્સિબિલિટી એન્ડ એથિક્સ ઇન વોશિંગ્ટન (CREW)ની ટેક્સ મુક્તિને ધ્યાનમાં લઇ રહ્યા છે. આ પરિસ્થિતિ બિનનફાકારક સંસ્થાઓ – અને તેમના કથિત રાજકીય દુશ્મનો માટે મરણતોલ નાણાકીય ફટકો હોય શકે છે. તાજેતરમાં, પ્રેસિડેન્ટ ટ્રમ્પે દેશની કેટલીક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીમાં વધારો કર્યો હતો અને ધમકી આપી હતી કે જો દેશની સૌથી પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થા વ્યાપક સરકારી હસ્તક્ષેપનો અસ્વીકાર કરશે તો હાર્વર્ડનો ટેક્સ મુક્તિ દરજ્જો પરત લેવામાં આવશે. હાર્વર્ડ ટ્રમ્પનો મુકાબલો પોતાની રીતે કરી રહી છે, જ્યારે અન્ય ઘણી યુનિવર્સિટીઓ અને શક્તિશાળી લો ફર્મ્સનું એક જૂથ અમેરિકન સંસ્થાનો સામેની સખત કાર્યવાહીમાં વ્હાઇટ હાઉસના દબાણ સામે ઝુકી ગયું છે. સોમવારે હાર્વર્ડને ફેડરલ ભંડોળમાં 2.2 બિલિયન ડોલરનું નુકસાન થયા પછી, હવે મોટા ટેક્સ બિલનું જોખમ ઊભું થયું છે.
