અમેરિકાના નવનિર્વાચિત પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ઇન્ડિયન-અમેરિકન હરમીત કે ધિલ્લોનની ન્યાય વિભાગમાં આસિસ્ટન્ટ એટર્ની જનરલ ફોર સિવિલ રાઇટ્સ તરીકે નિયુક્તિ કરી હતી. ચંદીગઢમાં જન્મેલા 54 વર્ષીય ધિલ્લોન બાળક હતાં ત્યારે માતા-પિતા સાથે અમેરિકા આવ્યા હતાં. 2016માં ક્લેવલેન્ડમાં GOP કન્વેન્શનના મંચ પર દેખાનારા તેઓ પ્રથમ ભારતીય-અમેરિકન હતાં.
ટ્રમ્પે તેમની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર જાહેરાત કરી હતી કે મને હરમીત કે ધિલ્લોનને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસમાં નાગરિક અધિકારો માટેના સહાયક એટર્ની જનરલ તરીકે નોમિનેટ કરતાં આનંદ થયો છે. સમગ્ર કારકિર્દી દરમિયાન હરમીતે નાગરિક સ્વતંત્રતાના રક્ષણ માટે સતત કામ કર્યું છે. તેઓ વાણીની સ્વતંત્રતા પર સેન્સરશીપ લાદતી મોટી ટેકનોલોજી કંપનીઓ સામે લડ્યાં હતાં. તેમણે કામદારો સામે ભેદભાવ કરતી મોટી કંપનીઓ સામે પણ લડત આપી હતી. હરમીતનો સમાવેશ દેશના ટોચના ઇલેક્શન વકીલોમાં થાય છે. તેઓ તમામ અને માત્ર, કાનૂની મતોની ગણતરી થાય તે માટે લડત ચલાવે છે. તેઓ ડાર્ટમાઉથ કૉલેજ અને યુનિવર્સિટી ઑફ વર્જિનિયા લૉ સ્કૂલના સ્નાતક છે.