
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવાર, 2 એપ્રિલથી ભારત પર 27 ટકા ટેરિફની જાહેર કરતાં જણાવ્યું હતું કે નવી દિલ્હી અમેરિકન માલ પર ઊંચી આયાત જકાત લાદે છે. ટ્રમ્પે અમેરિકામાં વિશ્વભરમાંથી આયાત થતી મોટાભાગની પ્રોડક્ટ્સ પર 10 ટકા સાર્વત્રિક ટેરિફની પણ જાહેરાત કરી હતી. આનાથી વિશ્વના આશરે 60 દેશોનો અસર થશે.
યુરોપ, ચીન સહિતના દેશોએ વળતી ટેરિફ લાદવાની જાહેરાત કરી હોવાથી વિશ્વમાં હવે ટેરિફ વોરનો પ્રારંભ થયો છે.
આ પગલાથી ભારતની અમેરિકામાં થતી નિકાસ પર અસર થવાની ધારણા છે. જોકે નિષ્ણાતો કહે છે કે ભારત તેના સ્પર્ધકો કરતાં વધુ સારી સ્થિતિમાં છે. અમેરિકન પ્રોડક્ટ્સ પર લાદવામાં આવતા ટેક્સનો સામનો કરવા માટેનું એક ઐતિહાસિક પગલું લઇને ટ્રમ્પે લગભગ 60 દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી.
વ્હાઇટ હાઉસ ખાતે રોઝ ગાર્ડનથી ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા માટે આ લિબરેશન ડે છે, જેની લાંબા સમયથી રાહ જોતા હતા તે આ ક્ષણ છે. 2 એપ્રિલ, 2025નો દિવસ હંમેશા માટે યાદ રહેશે, કારણ કે તે દિવસે અમેરિકન ઉદ્યોગનો પુનર્જન્મ થયો છે, તે દિવસે અમેરિકાનું ભાગ્ય પાછું આવ્યુ છે અને તે દિવસથી અમેરિકાએ ફરીથી શ્રીમંત બનાવવાનું શરૂ કર્યું છે. આપણે અમેરિકાને ધનિક બનાવવા જઇ રહ્યાં છે.
તેમણે કહ્યું કે અમેરિકા અન્ય દેશો પાસેથી મોટરસાયકલ પર ફક્ત 2.4 ટકા ટેરિફ વસૂલ કરે છે, પરંતુ થાઇલેન્ડ અને અન્ય દેશો 60 ટકા જેટલા ઊંચા દર વસૂલ કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે ભારત 70 ટકા, વિયેતનામ 75 ટકા, અને અન્ય દેશો તેનાથી પણ વધુ દર વસૂલ કરે છે.
ટેરિફની જાહેરાત કરતી વખતે એક ચાર્ટ મારફત ટ્રમ્પે દર્શાવ્યું હતું કે ભારત, ચીન, યુકે અને યુરોપિયન યુનિયન કેટલી ટેરિફ વસૂલ કરે છે. આની સાથે તેમણે એ પણ દર્શાવ્યું હતું કે આ દેશો પાસેથી કેટલીક ટેરિફ વસૂલ કરાશે.
ચાર્ટમાં દર્શાવ્યું હતું કે ભારત ચલણની હેરફેર અને વેપાર અવરોધો સહિત 52 ટકા ટેરિફ વસૂલ કરે છે અને અમેરિકા હવે ભારત પાસેથી 26 ટકા ડિસ્કાઉન્ટેડ પારસ્પરિક ટેરિફ વસૂલશે. પરંતુ વ્હાઇટ હાઉસના દસ્તાવેજો અનુસાર ભારત પર 27 ટકા ડ્યુટી રહેશે.
અમેરિકી પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે ભારત, ખૂબ જ કઠોર. ખૂબ જ કઠોર છે. વડા પ્રધાન હમણાં જ ગયા. તેઓ મારા ખૂબ સારા મિત્ર છે, પણ મેં કહ્યું, તમે મારા મિત્ર છો, પણ તમે અમારી સાથે યોગ્ય વર્તન નથી કરી રહ્યા. તેઓ આપણી પાસેથી 52 ટકા વસૂલ કરે છે. અમે વર્ષોના વર્ષો અને દાયકાઓ સુધી તેમની પાસેથી લગભગ કંઈ જ વસૂલ કર્યું નથી અને ફક્ત સાત વર્ષ પહેલાં, જ્યારે હું આવ્યો, ત્યારે અમે ચીનથી શરૂઆત કરી હતી.
ટેરિફને ભારત માટે મિક્સ બેગ છે અને તે પીછહેટ નથી તેવો ઉલ્લેખ કરીને ભારતના એક અધિકારીએ જણાવ્યું હતું કે વાણિજ્ય મંત્રાલય અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 27 ટકા પારસ્પરિક ટેરિફની ભારત પર અસરનું વિશ્લેષણ કરી રહ્યું છે.૫ એપ્રિલથી અમેરિકામાં થતી બધી આયાત પર ૧૦ ટકાનો સાર્વત્રિક ટેરિફ લાગુ થશે અને ૧૦ એપ્રિલથી ૨૭ ટકા ડ્યુટી અમલમાં આવશે.મંત્રાલય આ ટેરિફની અસરનું વિશ્લેષણ કરી રહ્યું છે. એવી એક જોગવાઈ છે કે જો કોઈ દેશ અમેરિકાની ચિંતાઓને દૂર કરશે, તો ટ્રમ્પ વહીવટીતંત્ર તે રાષ્ટ્ર સામેની ટેરિફ ઘટાડવાનું વિચારી શકે છે.ભારત પહેલાથી જ અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરાર માટે વાટાઘાટો કરી રહ્યું છે. બંને દેશો આ વર્ષના સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં કરારના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવાનું લક્ષ્ય ધરાવે છે.
નિકાસકારોની સંસ્થા FIEOએ જણાવ્યું હતું કે ભારત પરની જકાત નિઃશંકપણે સ્થાનિક ખેલાડીઓને અસર કરશે, પરંતુ વેપાર કરારના વહેલા નિષ્કર્ષથી આ જકાતમાંથી રાહત મળશે.ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO)ના ડિરેક્ટર જનરલ અજય સહાયે જણાવ્યું કે “આપણે અસરનું મૂલ્યાંકન કરવું પડશે, પરંતુ અન્ય દેશો પર લાદવામાં આવેલા પારસ્પરિક ટેરિફને જોતાં, આપણે નીચલા બેન્ડમાં છીએ. વિયેતનામ, ચીન, ઇન્ડોનેશિયા, મ્યાનમાર વગેરે જેવા મુખ્ય સ્પર્ધકોની તુલનામાં આપણે ઘણી સારી સ્થિતિમાં છીએ.
૨૦૨૧-૨૨થી ૨૦૨૩-૨૪ સુધી, અમેરિકા ભારતમ સૌથી મોટો વેપારી ભાગીદાર દેશ હતો. ભારતની કુલ માલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો લગભગ ૧૮ ટકા, આયાતમાં ૬.૨૨ ટકા છે.
૨૦૨૪માં ભારતની અમેરિકામાં મુખ્ય નિકાસમાં ડ્રગ ફોર્મ્યુલેશન અને બાયોલોજિકલ (૮.૧ અબજ ડોલર), ટેલિકોમ સાધનો (૬.૫ અબજ ડોલર), કિંમતી અને અર્ધ-કિંમતી પથ્થરો (૫.૩ અબજ ડોલર), પેટ્રોલિયમ પેદાશો (૪.૧ અબજ ડોલર), સોનું અને અન્ય કિંમતી ધાતુના ઘરેણાં (૩.૨ અબજ ડોલર), એસેસરીઝ સાથે તૈયાર વસ્ત્રો (૨.૮ અબજ ડોલર) અને લોખંડ અને સ્ટીલ પ્રોડક્ટ્સ (૨.૭ અબજ ડોલર)નો સમાવેશ થાય છે.
