DOD/Benjamin Applebaum/Handout via REUTERS

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો નિર્ણય કરીને શુક્રવારે જોઇન્ટ્સ ચીફ ઓફ સ્ટાફના ચેરમેન એરફોર્સ જનરલ સી ક્યુ બ્રાઉન જુનિયર અને બીજા બે ટોચના લશ્કરી અધિકારીઓને બરતરફ કરતાં પેન્ટાગોનમાં ખળભળાટ મચ્યો હતો. સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથે નેવલ ઓપરેશન્સ એડમિરલ લિસા ફ્રેન્ચેટી અને એરફોર્સના વાઇસ ચીફ ઓફ સ્ટાફ જનરલ જીમ સ્લાઇફની પણ હકાલપટ્ટીની જાહેરાત કરી હતી.

અમેરિકામાં સરકાર બદલાયા પછી દેશના અશ્વેત અને વરિષ્ઠ સૈન્ય અધિકારીને આ રીતે હાંકી કાઢવાની આ પહેલી ઘટના છે. ટ્રમ્પના આ નિર્ણયથી પેન્ટાગોનમાં ખળભળાટ મચ્યો હતો.

લશ્કરી દળોમાંથી વિવિધતા અને સમાનતાને સમર્થન આપતા અધિકારીઓને દૂર કરવાની સંરક્ષણ પ્રધાનના આગેવાની હેઠળના અભિયાનના ભાગરૂપે આ ઇતિહાસ સર્જક અશ્વેત ફાઇટર પાયલટ અને આદરણીય અધિકારીને દૂર કરાયા હતાં. બ્રાઉન જોઇન્ટ્સ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન તરીકે સેવા આપનારા અમેરિકાના બીજા અશ્વેત જનરલ હતાં. 16 મહિનામા કાર્યકાળમાં તેમણે યુક્રેનમાં યુદ્ધ અને મધ્યપૂર્વમાં સંઘર્ષ જેવા સમયે અમેરિકા મિલિટરીનું નેતૃત્વ કર્યું હતું.

પ્રેસિડન્ટ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે 40 વર્ષથી વધુની સેવા માટે હું જનરલ ચાર્લ્સ સી ક્યુ બ્રાઉનનો આભાર માનું છું. તેઓ એક સજ્જન અને ઉત્કૃષ્ટ નેતા છે અને હું તેમના અને તેમના પરિવાર માટે શ્રેષ્ઠ ભવિષ્યની કામના કરું છું.

પોલીસે અશ્વેત જ્યોર્જ ફ્લાઇડની હત્યા કરી તે પછી ચાલુ થયેલા બ્લેક લાઇવ્સ મેટર આંદોલનને બ્રાઉને જાહેરમાં ટેકો આપ્યો હતો. આ કારણે ટ્રમ્પે તેમને દૂર કર્યા હોવાનું માનવામાં આવે છે.

બ્રાઉનનની હકાલપટ્ટી પેન્ટાગોનમાં વધુ એક ઉથલપાથલ છે, કારણ કે આગામી સપ્તાહથી 5,400 સિવિલ પ્રોબેશનરી કર્મચારીઓને છટણીની પણ યોજના છે. આ ઉપરાંત ટ્રમ્પે પેન્ટાગોનના 50 બિલિયન ડોલરના પ્રોગ્રામમાં પણ આગામી વર્ષથી કાપ મૂકવાની યોજના બનાવી છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ નવા ચેરમન તરીકે નિવૃત્ત એરફોર્સ લેફ્ટનન્ટ જનરલ ડેન ‘રેઝિન’ કેઈનને નોમિનેટ કરી રહ્યા છે. કેઈન એફ-16 પાઈલટ છે. તેમણે મિલિટરી ઉપરાંત નેશનલ ગાર્ડમાં પણ સેવા આપી છે. છેલ્લે તેઓ સીઆઈએમાં લશ્કરી બાબતોના એસોસિયેટ ડાયરેક્ટર હતાં.

ફ્રેન્ચેટી ટ્રમ્પ વહીવટીતંત્રે બરતરફ કરેલ બીજી ટોચની મહિલા લશ્કરી અધિકારી બની છે. ટ્રમ્પે કોસ્ટ ગાર્ડ કમાન્ડન્ટ એડ્મ લિન્ડા ફેગનને શપથ લીધાના એક દિવસ બાદ જ બરતરફ કર્યા હતાં.

LEAVE A REPLY