REUTERS/Quetzalli Nicte-Ha

અમેરિકામાં પાંચ નવેમ્બર 2024એ યોજાનારી પ્રેસિડન્ટની ચૂંટણી પહેલા પ્રેસિડન્ટ જો બાઇડન અને ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ગુરુવારની 27 જૂને યોજાયેલી પ્રથમ ડિબેટમાં બંને ઉમેદવારોએ એકબીજા પર બેફામ અંગત હુમલા કર્યા હતાં. બંનેએ એકબીજાને જુઠ્ઠા અને યુએસના ઇતિહાસમાં સૌથી ખરાબ પ્રેસિડન્ટ ગણાવ્યા હતા. બંનેએ એકબીજાને સકર અને લુઝર પણ ગણાવ્યાં હતા અને પોર્નસ્ટારનો મુદ્દો પણ ચમક્યો હતો.

SSRS દ્વારા કરવામાં આવેલા સીએનએન ફ્લેશ પોલ મુજબ પ્રથમ ડિબેટમાં બાઇડન સામે ટ્રમ્પનો વિજય થયો હતો. રજિસ્ટર્ડ ડિબેટ વોચર્સમાંથી 67 ટકાથી 33 ટકા લોકોએ કહ્યું કે ટ્રમ્પે વધુ સારું પ્રદર્શન કર્યું હતું.

સીએનએનના સ્ટુડિયોમાં આશરે 90 મિનિટની ડિબેટમાં પ્રેસિડન્ટ જો બિડેન અને તેમના રિપબ્લિકન હરીફ ડોનાલ્ડ ટ્રમ્પે અર્થવ્યવસ્થા, સરહદ, વિદેશ નીતિ, ગર્ભપાત અને રાષ્ટ્રીય સુરક્ષાની સ્થિતિના મુદ્દે એકબીજા પર આકરા પ્રહારો કર્યા હતાં.

ઉંમરના મુદ્દે 81 વર્ષીય બાઇડને યાદ અપાવ્યું હતું કે 78 વર્ષીય ટ્રમ્પ તેમના કરતા માત્ર ત્રણ વર્ષ નાના છે. બાઇડને ટ્રમ્પને દોષિત ગુનેગાર કહેતા ટ્રમ્પે જણાવ્યું હતું કે જોએ જે કંઈ કર્યું છે, તે ભયાનક છે અને તે તમામ કામો માટે દોષિત ગુનેગાર બની શકે છે. આ માણસ ગુનેગાર છે. આ માણસ નસીબદાર છે. મેં કંઈ ખોટું કર્યું નથી. તેમનો પુત્ર (હન્ટર બાઇડન) ખૂબ જ ઉચ્ચ આરોપો સાથે દોષિત ગુનેગાર છે.

ટ્રમ્પને લુઝ નૈતિકતાના વ્યક્તિ જણાવીને બાઇડને આક્ષેપ કર્યો હતો કે “તમારી પત્ની ગર્ભવતી હતી ત્યારે રાત્રે પોર્ન સ્ટાર સાથે સેક્સ કરવા બદલ, જાહેરમાં એક મહિલાની છેડતી કરવા માટે, ઘણી બધી વસ્તુઓ કરવા માટે, તમારે કેટલાંક બિલિયનની પેનલ્ટી બાકી છે. તમે શેના વિશે વાત કરી રહ્યા છો? તમારી પાસે એલી કેટ જેવી નૈતિકતા છે.”
ટ્રમ્પે બાઈડનને સીધે સીધા મંચુરિયન કહ્યાં હતાં અને આક્ષેપ કર્યો કે તમને ચીન પૈસા આપે છે. ટ્રમ્પ અને બાઈડને એકબીજા સામે જે આક્ષેપો કર્યા તેમાં કેટલાક ગપ્પા પણ હતાં અને અમેરિકન મીડિયાએ આ ગપ્પાનું ફેક્ટ ચેકિંગ કરીને તેની પોલ ખોલી હતી.

આ ડિબેટ થઈ હતી જેમાં બંનેએ તમામ મહત્ત્વના મુદ્દા પર પોતાના વિચારો વ્યકત્ કર્યા હતા. આ ડિબેટમાં ગેરકાયદે ઈમિગ્રન્ટ, ગર્ભપાત, ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વોર, રશિયા-યુક્રેન વોર, રશિયા ચીનની મિત્રતા, અમેરિકામાં ગન વાયલન્સ, ટેક્સ, મોંઘવારી, બેરોજગારી અને ક્લાઈમેટ ચેન્જ પર ચર્ચા થઈ હતી. બંનેને મોડરેટર દ્વારા સવાલો પૂછવામાં આવ્યા અને પછી બંનેએ તેના જવાબ આપ્યા હતા. ત્યાર પછી એકબીજાને કાઉન્ટર કરવાનો સમય અપાયો હતો. ઉમેદવારોને એકથી બે મિનિટનો સમય અપાયો હતો.

ઈમિગ્રન્ટના મુદ્દે પણ બંને વચ્ચે જોરદાર દલીલો થઈ હતી. તેમાં બાઈડને કહ્યું હતું કે હું પ્રેસિડન્ટ બન્યો ત્યારે અમેરિકાની ઈકોનોમિક સ્થિતિ બહુ નબળી હતી. કોરોનાનો બરાબર સામનો કરવામાં આવતો ન હતો. લોકો મરી રહ્યા હતા, લોકો પાસે જોબ ન હતી, અમેરિકામાં બેરોજગારીનો દર 15 ટકા હતો. અમે અમેરિકામાં નવી જોબ પેદા કરી છે.
ટ્રમ્પે વળતા જવાબમાં કહ્યું કે હું પ્રેસિડન્ટ હતો ત્યારે કોઈ વોરમાં સામેલ થયો ન હતો. મેં સૌથી વધારે જોબ પેદા કરી હતી. બાઈડન પ્રેસિડન્ટ બન્યા પછી માત્ર ઈલિગલ ઈમિગ્રન્ટને જ જોબ મળી છે.

આ ડિબેટની ખાસ વાત એ હતી કે સીએનએનના સ્ટુડિયોમાં બંને પહોંચ્યા ત્યારે તેમણે માત્ર હાથ હલાવીને એકબીજાનું અભિવાદન કર્યું હતું પરંતુ હાથ મિલાવ્યા ન હતાં.

 

LEAVE A REPLY