યુકેના વડાપ્રધાન કેર સ્ટાર્મરે તાજેતરમાં તેમના અમેરિકાના પ્રવાસ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બે કલાક સુધી ભોજન મુલાકાત કરી હતી. તેમણે અગાઉ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ વિરુદ્ધ કરેલી ટીકાઓને ભૂલીને ચૂંટણી પહેલા સંબંધોને સારા બનાવવાનો પ્રયાસ કર્યો હતો. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં ઉપસ્થિત રહેવા આવેલા વડાપ્રધાને તેમની બે દિવસની મુલાકાતનું સમાપન ન્યૂયોર્કમાં ટ્રમ્પ ટાવરમાં ભોજન લઇને કર્યું હતું. સ્ટાર્મરની ઓફિસના જણાવ્યા મુજબ, બંને મહાનુભાવોએ તેમના બે રાષ્ટ્રો વચ્ચેની લાંબા સમયની મિત્રતા અને ગાઢ ભાગીદારીને જાળવવાના મહત્વ વિશે ચર્ચા કરી હતી.
ટ્રમ્પ ટાવરમાં આ મુલાકાત દરમિયાન યુકેના ફોરેન સેક્રેટરી ડેવિડ લેમી પણ ઉપસ્થિત રહ્યા હોવાથી થોડી અસહજતા ઊભી થવાની સંભાવના હતી. કારણ કે, સ્ટાર્મર અને લેમીની ડાબેરી લેબર પાર્ટી વિરોધ પક્ષમાં હતી ત્યારે તે બંનેએ ટ્રમ્પની ટીકા કરી હતી. હવે જ્યારે ટ્રમ્પ અને વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ વચ્ચે પ્રેસિડેન્ટ બનવા માટે હોડ જામી છે ત્યારે સરકારમાં તેમની સાથે મળીને કામ કરવાની સંભાવનાનો પડકાર છે.
ટ્રમ્પ સાથેની મુલાકાત અગાઉ સ્ટાર્મરે મીડિયાને જણાવ્યું હતું કે, “અમારા બંને વચ્ચે સંબંધ સ્થાપિત કરવો તે ખરેખર એક પડકાર હશે.” હું ઇન્ટરનેશનલ મંચ પર અંગત સંબંધોમાં ઘણો વિશ્વાસ રાખું છું. મને લાગે છે કે તે ખરેખર મહત્વનું છે કે, તમે જાણો છો કે કોઈ પણ દેશમાં તમારા સમકક્ષ કોણ છે અને તમે વ્યક્તિગત રીતે જાણો છો, તેમને રૂબરૂમાં મળો છો.”
બ્રિટિશ વડાપ્રધાને અમેરિકાના આ પ્રવાસ દરમિયાન કમલા હેરિસ સાથે મુલાકાત કરવાની પણ આશા વ્યક્ત કરી હતી, ત્યારે તેમની સાથે ન્યૂયોર્કની મુસાફરી કરી રહેલા પત્રકારોને કહેવામાં આવ્યું હતું કે વ્યસ્તતાને કારણે તેમને મળી શકાયું નથી. આથી એ સંભાવના વધી જાય છે કે, દેશમાં યોજાનારી ચૂંટણી પહેલાં તેઓ ફરીથી અમેરિકા આવી શકે છે, કારણ કે તેઓ ક્યારેય વાઇસ પ્રેસિડેન્ટને મળ્યા નથી.

LEAVE A REPLY