અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન ચૂંટણી પ્રણાલીમાં સુધારા કરવાના તેમના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં ભારત અને બ્રાઝિલનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે બંને દેશો મતદાર ઓળખને બાયોમેટ્રિક ડેટાબેઝ સાથે જોડી રહ્યા છે, જ્યારે અમેરિકાના નાગરિકતા માટે સ્વ-પ્રમાણપત્ર પર આધાર રાખે છે.
ટ્રમ્પે મંગળવારે આ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતાં. તેમાં જણાવાયું હતું કે સ્વ-શાસનનું પ્રણેતા હોવા છતાં અમેરિકા વિકસિત અને વિકાસશીલ બંને રાષ્ટ્રો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી મૂળભૂત અને જરૂરી ચૂંટણી સુરક્ષાને લાગુ કરવામાં નિષ્ફળ ગયું છે. ઉદાહરણ તરીકે, ભારત અને બ્રાઝિલ મતદાર ઓળખને બાયોમેટ્રિક ડેટાબેઝ સાથે જોડી રહ્યાં છે, જ્યારે અમેરિકા મોટાભાગે નાગરિકતા માટે સ્વ-પ્રમાણીકરણ પર આધાર રાખે છે.
ઓર્ડરમાં જણાવાયું હતું કે ડેનમાર્ક અને સ્વીડન જેવા દેશો સમજદારીપૂર્વક મેઇલ-ઇન વોટિંગને એવા લોકો સુધી મર્યાદિત કરે છે જેઓ રૂબરૂમાં મતદાન કરી શકતા નથી અને પોસ્ટમાર્કની તારીખને ધ્યાનમાં લીધા વિના મોડા આવતા મતોની ગણતરી કરતા નથી. બીજી તરફ અમેરિકન ચૂંટણીઓમાં હવે મેઇલ દ્વારા સામૂહિક મતદાન થાય છે, જેમાં ઘણા અધિકારીઓ પોસ્ટમાર્ક વગરના અથવા ચૂંટણીના દિવસ પછી પ્રાપ્ત થયેલા મતપત્રો સ્વીકારે છે.
ભારતમાં ચૂંટણી પંચ મતદાર કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાની વિચારણા કરી રહ્યું છે,જેમાં બાયોમેટ્રિક ડેટાબેઝનો સમાવેશ થાય છે. 18 માર્ચે, ચૂંટણી પંચે જણાવ્યું હતું કે આ કવાયત માટે તેના નિષ્ણાતો અને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) વચ્ચે ટેકનિકલ પરામર્શ ટૂંક સમયમાં શરૂ થશે.
