FILE PHOTO: REUTERS/Go Nakamura/File Photo

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગુજરાતના વડોદરાના વતની, અગાઉ પેન્ટાગોનના અધિકારી રહી ચૂકેલા કશ્યપ ‘કાશ’ પટેલને FBI ડાયરેક્ટર તરીકે પસંદ કર્યા છે. ટ્રમ્પના વફાદાર કશ્યપ પટેલ યુએસ સરકારમાં “ડીપ સ્ટેટ” તોડી પાડવાના હિમાયતી રહ્યા છે. તો એક અન્ય મહત્ત્વની નિમણુંકમાં ભારતીય અમેરિકન જય ભટ્ટાચાર્યની પસંદગી નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થના ડાયરેક્ટરપદે કરાઈ છે.

ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે “કાશ એક તેજસ્વી વકીલ, તપાસકર્તા અને ‘અમેરિકા ફર્સ્ટ’ ફાઇટર છે, તેમણે તેમની કારકિર્દી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં, ન્યાયનું રક્ષણ કરવામાં અને અમેરિકન લોકોની સુરક્ષા કરવામાં ગાળી છે.” ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન કશ્યપ પટેલના યોગદાનની પ્રશંસા પણ કરી હતી અને દાવો કર્યો હતો કે તેમણે “રશિયાનો ખોટો હાઉ” દૂર કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. કશ્યપ પટેલનું નોમિનેશન દર્શાવે છે કે ટ્રમ્પના એફબીઆઇના ડાયરેક્ટર ક્રિસ્ટોફર રેથી નારાજ છે, તેમણે 2017માં ક્રિસ્ટોફરની નિમણૂક કરી હતી. 44 વર્ષના કશ્યપ પટેલે અગાઉ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ એફબીઆઈમાં આમૂલ ફેરફારો લાવવા માગે છે.

કાશ પટેલનો જન્મ ન્યૂયોર્કના ક્વીન્સમાં પૂર્વ આફ્રિકાથી સ્થળાંતર કરીને આવેલા ગુજરાતી પરિવારમાં થયો હતો. કાયદાની ડિગ્રી મેળવ્યા પછી પટેલે ફ્લોરિડામાં પબ્લિક ડીફેન્ડર તરીકે કામ કર્યું હતું તથા રાજ્ય અને ફેડરલ કોર્ટમાં અસીલોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ પછી તેઓ ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસમાં પ્રોસિક્યુટર તરીકે જોડાયા હતાં તથા પૂર્વ આફ્રિકા અને યુનાઈટેડ સ્ટેટ્સમાં હાઈ-પ્રોફાઈલ આંતરરાષ્ટ્રીય ત્રાસવાદના કેસો લડ્યા હતાં.

તેઓ ડીપાર્ટમેન્ટ ઓફ ડીફેન્સમાં સિવિલ લોઅર તરીકે જોડાયા ત્યારે તેમની કારકિર્દીમાં વળાંક આવ્યો હતો. ત્યાં તેમણે સ્પેશિયલ ઓપરેશન્સ કમાન્ડ સાથેના સહયોગમાં વૈશ્વિક ત્રાસવાદ વિરોધી કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમની કામગીરીથી હાઉસ ઇન્ટેલિજન્સ કમિટીના તત્કાલીન અધ્યક્ષ કોંગ્રેસમેન ડેવિન નુન્સ પ્રભાવિત થયા હતા અને તેમને ત્રાસવાદ વિરોધી વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા.

કશ્યપ પટેલને ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન પ્રસિદ્ધિ મળી હતી અને હાઉસ રીપબ્લિકન્સની એફબીઆઈ દ્વારા રશિયાની તપાસના સંચાલન અંગેની તપાસનો તે હિસ્સો હતા. તેમણે વિવાદાસ્પદ GOP મેમોનો મુસદ્દો તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી જેમાં ટ્રમ્પના 2016ના પ્રેસિડન્ટ ચૂંટણી પ્રચારમાં FBIની તપાસમાં પક્ષપાતનો આક્ષેપ કરાયો હતો. ન્યૂ યોર્ક ટાઈમ્સે તેને “કાશ મેમો” ગણાવ્યો હતો. આ દસ્તાવેજ રશિયાની તપાસ પર બે પક્ષોની લડાઈમાં મોટો મુદ્દો બન્યો હતો.

LEAVE A REPLY