REUTERS/Brendan McDermid/File Photo

અમેરિકામાં નવેમ્બરમાં પ્રેસિડન્ટની ચૂંટણી પહેલા ઇમિગ્રેશન અંગે ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા હતા અને તેમણે યુએસ કોલેજોમાંથી સ્નાતક થયેલા વિદેશી વિદ્યાર્થીઓને ઓટોમેટિક ગ્રીન કાર્ડ આપવાનું વચન આપ્યું હતું. ઇમિગ્રન્ટ્સ વિરોધી વલણ ધરાવતા ટ્રમ્પનું આ નિવેદન ઘણા લોકો માટે આશ્ચર્યજનક છે. જોકે ટ્રમ્પે હંમેશાની જેમ મેરિટ આધારિત કાનૂની ઇમિગ્રેશન સિસ્ટમનું સમર્થન કર્યું હતું.

78 વર્ષના ટ્રમ્પે “ઓલ-ઇન” પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે “હું શું કરવા માંગુ છું અને હું શું કરીશ – તમે કૉલેજમાંથી સ્નાતક થયા છો, મને લાગે છે કે તમને તમારા ડિપ્લોમાના ભાગ રૂપે આપોઆપ ગ્રીન કાર્ડ મળવું જોઈએ, આ દેશમાં રહેવા માટે સક્ષમ થવા માટે એક ગ્રીન કાર્ડ. અને તેમાં જુનિયર કોલેજોનો પણ સમાવેશ થાય છે.”

રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ટ્રમ્પે એ બાબતે અફસોસ વ્યક્ત કર્યો હતો કે લોકો ટોચની કોલેજમાંથી ગ્રેજ્યુએટ થાય છે અને તેઓ અહીં રહેવા અધીરા બનતા હોય છે, તેઓ એક કંપની, એક કન્સેપ્ટ માટે પ્લાન તૈયાર કરે છે, પરંતુ આવું કરી શકતા નથી. તેઓ ભારત પરત જાય છે, તેઓ ચીન પરત જાય છે અને ત્યાં કંપની ખોલે છે. અને તેઓ મલ્ટિ બિલિયોનેર બની હજારો લોકોને ત્યાં રોજગારી આપે છે. આવું અમેરિકામાં કરી શકાય છે.

ટ્રમ્પે STEM (વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થામાંથી ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી વિદેશી વિદ્યાર્થીઓને ગ્રીન કાર્ડ આપવા અંગેની તેમની પ્રથમ ટર્મની નીતિનો પુનરોચ્ચાર કર્યો હતો.

LEAVE A REPLY