અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પડોશી દેશ અને કેનેડા ઉપરાંત ચીનથી અમેરિકામાં થતી આયાત પર ટેરિફ ઝીંકવાના ફરમાન પર મહોર મારી દીધી છે. સામા પક્ષે આ બન્ને દેશોએ પણ અમેરિકાના સામાન પર આકરા ટેરિફ ઉપરાંત અન્ય પ્રતિકારક પગલાં ભરવાનું એલાન કર્યું છે. અમેરિકાએ શરૂ કરેલા આ ટેરિફ વોરની અસર ગ્લોબલ ટ્રેડ પર પડવાની શક્યતાથી ખળભળાટ મચી ગયો છે. તાત્કાલિક અસરના ભાગરૂપે સરેરાશ અમેરિકન પરિવાર પર 1,170 ડોલરનું કર ભારણ વધવાનું અનુમાન છે. ટેરિફ વોરના પગલે અમેરિકામાં મોંઘવારી અને ફુગાવો વધવાની આશંકા પણ સેવાઈ રહી છે ત્યારે ટ્રમ્પ સરકારે ઉગામેલી ટેરિફ નામની તલવારના પ્રહારમાંથી હાલ પૂરતું ભારત ઉગરી ગયું છે. ટ્રમ્પે આ ટેરિફ વોરથી અમેરિકાની પ્રજા ઉપર થનારી સંભવિત અસર, પીડાને યથાયોગ્ય ગણાવી હતી. અમેરિકી પ્રેસિડેન્ટે કેનેડા અને મેક્સિકો ઉપર 25 ટકા તથા ચીન ઉપર 10 ટકા ટેરિફ વધારાની જાહેરાત કરી હતી. જો કે, સોમવારે મોડેથી ટ્રમ્પ અને મેક્સિકોના પ્રેસિડેન્ટ વચ્ચે વાતચિત અને મેક્સિકોએ અમેરિકા સાથેની સરહદે સૈનિકો તહેનાત કરવાની જાહેરાતના પગલે ટ્રમ્પે મેક્સિકો સામેની ટેરિફનો અમલ મહિના માટે મોકુફ રાખવાની જાહેરાત કરી હતી.
સામે પક્ષે કેનેડાએ પણ અમેરિકાની આયાતો ઉપર ટેરિફની જાહેરાત કરી દીધી હતી, તો કેનેડાની સુપર માર્કેટોએ તો પોતાને ત્યાં વેચાતી અમેરિકન શરાબની બોટલો વેચાણમાંથી હટાવી લઈ પોતાના ગ્રાહકોને તેની સામે સ્વદેશી બ્રાંડ્સ અપનાવવા હાકલ કરી હતી. કેટલાક કેનેડિયન પ્રાંતોએ તો વળતા પગલામાં પણ પસંદગીના ધોરણે અમેરિકાના રીપબ્લિકન્સની સરકાર ધરાવતા રાજ્યોમાંથી જ થતી આયાતોને નિશાન બનાવી હતી, ડેમોક્રેટ્સના શાસન હેઠળના રાજ્યોને તેમાંથી બાકાત રાખ્યા હતા.
છેલ્લા અહેવાલો મુજબ કેનેડાના ઓન્ટારીઓ પ્રાંતે તો ટ્રમ્પના ખાસ સાથી, ઈલોન મસ્કની સ્ટારલિંકને પણ નિશાન બનાવી તેની સાથેનો ઈન્ટરનેટ સર્વિસીઝનો કોન્ટ્રાક્ટ રદ કરવાની જાહેરાત કરી હતી. વળતા પગલાંની અસર તળે ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાન્ટ ઉપર જાહેરાત કરી હતી કે તેઓ કેનેડાના વડાપ્રધાન ટ્રુડો સાથે સોમવારે ફરી વાત કરશે. ઓન્ટારીઓ ઉપરાંત કેનેડાના એક વધુ પ્રાંત બ્રિટિશ કોલમ્બિયાએ પણ અમેરિકાના રાજ્યો સામે આયાત જંગના મંડાણી જાહેરાત કરી દીધી હતી.
જો કે, ટ્રમ્પે ટેરિફ વોર માટેના કારણોમાં વેપાર સંબંધોની વિપરિત સમતુલા ઉપરાંત કેનેડા અને મેક્સિકોની સરહદોએથી થતી ગેરકાયદે માઈગ્રન્ટ્સની ઘૂષણખોરી અને કેફી, નશીલા પદાર્થો તેમજ તેના ઉત્પાદન માટેની સામગ્રીની દાણચોરીને પણ કારણરૂપ ગણાવ્યા હતા.
જો કે, કેનેડાથી થતી ઓઈલ, ગેસ અને વીજળીની આયાત સામે ફક્ત 10 ટકા ટેરિફ વધારો જાહેર કરી નાગરિકોની નારાજગી ઘટાડવા પ્રયાસ કર્યો છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ વળતા જવાબમાં અમેરિકાથી આવતાં આલ્કોહોલ અને ફળો સહિત 155 બિલિયન ડોલરના સામાન પર પણ કેનેડામાં 25 ટકા ટેરિફની જાહેરાત કરી દીધી છે.
ટ્રમ્પે લાદેલા ટેરિફનો આકરો વિરોધ કરતાં ચીને પોતાના હિતો અને અધિકારના રક્ષણનું એલાન કર્યું હતું. ચીનના વાણિજ્ય મંત્રાયલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમેરિકાની ખોટી નીતિના વિરોધમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં કેસ કરાશે.