નવોદિત યુવા અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. તેને સંદીપ રેડ્ડી વાંગાની રણબીર કપૂર સાથે આવેલી ફિલ્મ ‘એનિમલ’થી ખૂબ જ લોકપ્રિયતા મળી છે ત્યારથી તેની ગણતરી સફળ અભિનેત્રી તરીકે થઇ રહી છે. અગાઉ પણ તેણે ફિલ્મોમાં કામ કર્યું છે, પણ આ ફિલ્મથી તે ઘર ઘરમાં જાણીતી બની ગઈ છે. તાજેતરમાં એક મીડિયા ઇન્ટરવ્યૂમાં તૃપ્તિએ કહ્યું હતં કે લોકપ્રિયતાએ તેના જીવન પર કેવી અસર કરી છે. તેને લોકપ્રિયતા જોઈતી હતી પરંતુ તેનાથી તેની સ્વતંત્રતા જતી રહી છે.
તૃપ્તિએ કહ્યું કે પહેલા તેને વોકિંગમાં જવાનો અને મિત્રો સાથે કોઈ ચિંતા વગર સમય ગાળવો ગમતો હતો. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે તેને પહેલાં જેવી સ્વતંત્રતા મળતી નથી. તેના માટે આ લોકપ્રિયતા નવી છે, તેથી તે હજુ પણ એ પરિવર્તન સાથે તાલમેલ કરવાનો પ્રયાસ કરે છે. કારણ કે તે પોતાના અંગત સમયનું મૂલ્ય સમજે છે. તૃપ્તિએ કહ્યું હતું કે, તે મુંબઇમાં કાર્ટર રોડ પર વૉક માટે જતી અને બહાર જમવા જતી હતી. આ બધું કરવું હવે તેના માટે શક્ય નથી. હવે તેને દરેક જગ્યાએ બહુ ધ્યાન રાખવું પડે છે, તેથી તે પહેલાંની સ્થિતિને બહુ યાદ કરે છે. બાકી તો બધું ઘણું સારું ચાલી રહ્યું છે. તૃપ્તિએ કહ્યું કે તેણે ગયા વર્ષે ચાર ફિલ્મોમાં કામ કર્યું હતું, તેથી તેને પોતાના માટે થોડો સમય કાઢવાની જરૂર હતી. તેણે કહ્યું હતું કે સતત એકસાથે ઘણા લોકો સાથે કામ કરીને તમે માનસિક અને શારીરિક બંને રીતે થાકી જાવ છો.