ભારતીય રેલ્વે દ્વારા શનિવારે કટરામાં માતા વૈષ્ણોદેવી રેલ્વે સ્ટેશનથી શ્રીનગર સુધીની પ્રથમ વંદે ભારત ટ્રેનની ટ્રાયલ રન શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેન અંજી ખાડ બ્રિજ પરથી પણ પસાર થઇ હતી, જે ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ બ્રિજ છે. આ ટ્રેનને ખાસ કરીને કાશ્મીર ઘાટીના ઠંડા હવામાનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.
આ અંગે રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, ઘણા દેશોએ ભારતમાંથી સેમી-હાઈ-સ્પીડ વંદે ભારત ટ્રેન આયાત કરવામાં રસ દાખવ્યો છે. ભારતીય રેલ્વેએ વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરી, જે ભારતની પ્રથમ સ્વદેશી સેમી-હાઈ-સ્પીડ ટ્રેન છે અને તેને ‘મેક ઇન ઈન્ડિયા’ની સફળતાની કહાની માનવામાં આવે છે.
પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને 15 ફેબ્રુઆરી, 2019ના રોજ નવી દિલ્હી-કાનપુર-અલાહાબાદ-વારાણસી રૂટ પર 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન, વંદે ભારત ટ્રેનોમાં મુસાફરી કરવા માટે લગભગ 31.84 લાખ બુકિંગ કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન વંદે ભારત ટ્રેનોનો એકંદર ઓક્યુપન્સી રેટ 96.62 ટકા રહ્યો છે. વંદે ભારત કાશ્મીરમાં શિયાળાની ઋતુ માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. આ ટ્રેન બરફવર્ષા અને શૂન્યથી 20 ડિગ્રી નીચે તાપમાનમાં આરામથી દોડશે. કડકડતી ઠંડીથી બચવા માટે ટ્રેનની અંદર સંપૂર્ણ હીટિંગ સીસ્ટમ છે. આ સાથે ટ્રેનમાં ગરમ પાણી પણ મળશે, આ માટે વિવિધ પાઈપ પર ખાસ કોટિંગ કરવામાં આવ્યું છે, જેથી શિયાળામાં પાઈપોમાં પાણી જામી ન જાય.
ટ્રેનમાં મોટા કદના અરીસા લગાવવામાં આવ્યા છે, જેના દ્વારા મુસાફરો રમણીય નજારોનો આનંદ લઈ શકે છે. ગ્લાસ સંપૂર્ણપણે ફૂલ પ્રૂફ બનાવવામાં આવ્યા છે, જો તે પથ્થર પણ અથડાશે તો પણ તેને કોઈ નુકસાન થશે નહીં.