
યુકેની સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કરવા માટે એકત્ર થયેલા ટ્રાન્સજેન્ડર આંદોલનકારીઓએ તા. 19ના રોજ વેસ્ટમિન્સ્ટર ખાતે પાર્લામેન્ટ સ્કવેર સામે એકઠા થઇ વિવિધ દેશોના સાત અગ્રણીઓની પ્રતિમાઓને નુકશાન પહોંચાડતા ઉગ્ર વિરોધ વ્યક્ત કરાઇ રહ્યો છે.
હોમ સેક્રેટરી હ્યુવેટ કૂપરે મેટ્રોપોલિટન પોલીસની તપાસનું સ્વાગત કરી જાહેરાત કરી હતી કે “વિન્સ્ટન ચર્ચિલ, નેલ્સન મંડેલા અને મહિલા મત પ્રચારક મિલિસેન્ટ ફોસેટ જેવા સ્વતંત્રતા અને ન્યાય માટે લડનારા પુરુષો અને સ્ત્રીઓની પ્રતિમાઓ સહિત આ પ્રકારનું ગુનાહિત નુકસાન શરમજનક છે – પોલીસ તપાસ કરી રહી છે તે યોગ્ય છે. અમે મહત્વપૂર્ણ સ્મારકોનું વધુ સારી રીતે સન્માન અને રક્ષણ કરવા માટે કાયદાને મજબૂત બનાવી રહ્યા છીએ. આપણી લોકશાહીમાં વાણી અને વિરોધની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે, પરંતુ આ પ્રકારનું ગુનાહિત નુકસાન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.”
પોલીસ આ નુકસાનને ગુનાહિત ગણી તપાસ કરી રહી છે. કોઈ ધરપકડ કરવામાં આવી નથી. સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ વડા પ્રધાન જાન સ્મટ્સની પ્રતિમા પર “ટ્રાન્સજેન્ડર્સના અધિકારો માનવ અધિકારો છે” એવા શબ્દો લખેલા હતા.
બુધવારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે “જો તે પ્રમાણસર હોય તો લિંગ માન્યતા પ્રમાણપત્ર ધરાવતી ટ્રાન્સજેન્ડર મહિલાઓને સિંગલ-સેક્સ જગ્યાઓમાંથી બાકાત રાખી શકાય છે.’’
ચુકાદા સામે શનિવારે રેડિંગ, એડિનબરા અને ગ્લાસગોમાં પણ વિરોધ પ્રદર્શનો થયા હતા.
