વિશ્વની બે આર્થિક મહાસત્તા અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર વધુ વકર્યું છે. ચીને શુક્રવાર, 11 એપ્રિલથી અમેરિકાની પ્રોડક્ટ્સ પરની ટેરિફને 84 ટકાથી વધારી 125 ટકા કરી હતી. પ્રેસિડન્ટ શી જિનપિંગે અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પની એકપક્ષીય ગુંડાગીરીનો પ્રતિકાર કરવા માટે યુરોપિયન યુનિયનને બેઇજિંગ સાથે હાથ મિલાવવાનો અનુરોધ પણ કર્યો હતો.
અગાઉ ટ્રમ્પે ચીન પરની ટેરિફને વધારીને 145 ટકા કરી હતી. તેના વળતા પગલાં રૂપે ચીને પણ શનિવારની અમલથી ટેરિફમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. ચીનના નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે અમેરિકાના ભાવિ પગલાંની અવગણના કરવામાં આવશે, કારણ કે હાલના સ્તરે અમેરિકા માટે ચીનના બજારમાં પ્રોડક્ટ્સનું વેચાણ કરવાની કોઇ શક્યતા રહેતી નથી. જો અમેરિકા ટેરિફની નંબર ગેમ રમવાનું ચાલુ રાખશે, તો ચીન તેની અવગણના કરશે.
બેઇજિંગે કહ્યું હતું કે પ્રેસિડન્ટ ટ્રમ્પના ટેરિફથી પેદા થયેલી વૈશ્વિક આર્થિક ઉથલપાથલ માટે અમેરિકા જવાબદાર રહેશે. ચીનના દબાણ બાદ ટ્રમ્પે અન્ય દેશો પરના ટેરિફ આંશિક રીતે સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાના પ્રેસિડન્ટે બુધવારે ચીન સિવાયના તમામ દેશો પરની રેસિપ્રોકલ ટેરિફ પર 90 દિવસની બ્રેક મારી હતી.
શુક્રવારે શી જિનપિંગે બેઇજિંગમાં તેમના સ્પેનિશ સમકક્ષ પેડ્રો સાંચેઝને મળ્યાં હતાં અને ભાર મૂક્યો કે ટેરિફ યુદ્ધમાં “કોઈ વિજેતા” નથી.
