આસામની ભાજપ સરકારે બુધવારે રેસ્ટોરાં, હોટલ, જાહેર સમારંભો અને અન્ય સામુદાયિક જગ્યાઓમાં ગૌમાંસ પીરસવા અને ખાવા પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી હતી.અગાઉ આસામમાં મંદિરોની આસપાસ ગૌમાંસ વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, જેને હવે સમગ્ર રાજ્યમાં લાગુ કરી દેવામાં આવ્યો છે.
રાજ્યના મુખ્યપ્રધાન હેમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે અમે આસામમાં ગૌહત્યા રોકવા માટે ત્રણ વર્ષ પહેલા જ કાયદો લાવ્યા હતાં. આ કાયદાથી ગૌહત્યા રોકવામાં ઘણી સફળતા મળી છે. હવે અમે આસામના કોઇ પણ રેસ્ટોરંટ કે હોટેલમાં ગૌમાંસ નહીં વેચી શકાય તેવો નિર્ણય કર્યો છે. જાહેર સ્થળો કે લગ્ન સહિતના સમારોહમાં પણ ગૌમાંસ નહીં પિરસી શકાય.
આ પ્રતિબંધ બાદ આસામ સરકારના પ્રધાન પીજૂષ હઝારિકાએ કહ્યું હતું કે જે પણ લોકોને ગૌમાંસ વેચવા પર લગાવાયેલો આ પ્રતિબંધ પસંદ ના હોય તેઓ પાકિસ્તાન જતા રહે. હું આસામમાં કોંગ્રેસને પડકાર ફેંકુ છું કે કાં તો તેઓ સરકારના આ નિર્ણયનું સ્વાગત કરે અથવા તો પાકિસ્તાન જતા રહે.