કન્ઝર્વેટિવ પક્ષના નેતૃત્વની હરીફાઈ માટે ટોરી સાંસદો દ્વારા કરાયેલા મતદાનમાં ભારતીય મૂળના ભૂતપૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ પ્રથમ રાઉન્ડમાં અને ભૂતપૂર્વ વર્ક અને પેન્શન સેક્રેટરી મેલ સ્ટ્રાઈડ બીજા રાઉન્ડના બહાર ફેંકાઈ ગયા હતા.
બીજા રાઉન્ડમાં ભૂતપૂર્વ ઇમિગ્રેશન પ્રધાન રોબર્ટ જેનરિક 33 મતો સાથે સાંસદોના મતદાનમાં ટોચ પર છે, જ્યારે કેમી બેડેનોક 28 મતો સાથે બીજા ક્રમે છે. જેમ્સ ક્લેવરલી અને ટોમ ટૂગેન્ધાટને ટોરી સાંસદોમાંથી 21-21 મત મળ્યા, મેલ સ્ટ્રાઈડને સૌથી ઓછા 16 મતો મળ્યા હતા.
ભૂતપૂર્વ કેબિનેટ મિનિસ્ટર મેલ સ્ટ્રાઈડ ટોરી સાંસદોના મતમાં નીકળી જતાં કન્ઝર્વેટિવ નેતૃત્વની હરીફાઈ ચાર ઉમેદવારો સુધી ઘટી ગઈ છે. નેતૃત્વ હરીફાઈના વિજેતા ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકનું સ્થાન લેશે.
બીજા રાઉન્ડમાં, જેનરિક અને બેડેનોકે તેમના વોટ શેરમાં થોડો વધારો કર્યો હતો, જ્યારે ક્લેવર્લી 21 મતો સાથે સ્થિર રહ્યા હતા અને ટૂગેન્ધાટે તેમના ટોટલમાં ચાર મતોનો ઉમેરો કર્યો હતો. ટોરી સત્તામાં હતુ ત્યારે સ્ટ્રાઈડની ગણના સુનકના વફાદાર સાથી તરીકે હતી.
પહેલા રાઉન્ડમાં ભૂતપૂર્વ ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિક સૌથી વધુ 28 મતો મેળવીને અને કેમી બેડેનોક 22 મતો સાથે બીજા નંબર પર હતા. 21 મતો સાથે ત્રીજા ક્રમે જેમ્સ ક્લેવરલી, ટોમ ટૂગેન્ધાટ 17 મતો સાથે ચોથા ક્રમે અને મેલ સ્ટ્રાઈડ 16 મતો સાથે પાંચમા ક્રમે રહ્યા હતા. ડેમ પ્રીતિ પટેલ માત્ર 14 મતો મેળવીને છેલ્લા સ્થાને રહ્યાં હતાં.
જ્યાં સુધી માત્ર બે ઉમેદવારો બાકી નહિં રહે ત્યાં સુધી આગામી અઠવાડિયાઓમાં મતદાન ચાલુ રહેશે. છેલ્લે બાકી રહેતા બે સાંસદોમાંથી પક્ષના સભ્યો એકને નવા નેતા તરીકે પસંદ કરશે. વિજેતા બનનાર નેતા ઋષિ સુનકનું સ્થાન લેશે અને વિરોધ પક્ષના નેતા તરીકે સંસદમાં હોદ્દો સંભાળશે.
મંગળવારે બીજા રાઉન્ડનું મતદાન પતી ગયા બાદ બાકી રહેતા ચાર નેતાઓ સપ્ટેમ્બરના અંતમાં પાર્ટીની વાર્ષિક કોન્ફરન્સમાં પ્રચાર કરી શકશે. હસ્ટિંગ્સ અને બહુવિધ મતોનો સઘન રાઉન્ડ 8 ઓક્ટોબરથી કોન્ફરન્સને અનુસરશે જે ત્રણ દિવસ સુધી ચાલશે. કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો 2 નવેમ્બરના રોજ જાહેર થયેલા પરિણામ સાથે અંતિમ બે ઉમેદવારોમાંથી નવા નેતાને પસંદ કરશે.