ગુજરાતના જાણીતા બિઝનેસ હાઉસ- ટોરેન્ટ ગ્રુપ દ્વારા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ફ્રેન્ચાઈઝ ગુજરાત ટાઈટન્સમાં 67 ટકા બહુમતિ હિસ્સો ખરીદી લીધો છે. ટોરેન્ટે વર્તમાન માલિક સીવીસી પાસેથી આ હિસ્સો ખરીદ્યો હોવાની બુધવારે અધિકૃત જાહેરાત કરી હતી. ટોરેન્ટે ગુજરાત ટાઈટન્સમાં બે તૃતિયાંશ હિસ્સો ખરીદતા હવે તે બહુમતિ શેરધારક રહેશે. ટોરેન્ટ ગ્રુપે ઈરેલિયા કંપની પીટીઈ. લી, જે સીવીસીના સંપૂર્ણ ભંડોળથી સંચાલિત છે તેની સાથે બહુમતિ હિસ્સો ખરીદવા કરાર કર્યો છે. આ સોદો જરૂરી નિયમનકારી મંજૂરીઓને આધિન રહેશે જેમાં ભારતીય ક્રિકેટ બોર્ડ પાસેથી પણ મંજૂરીનો સમાવેશ થશે.
સીવીસીએ 2021માં ગુજરાત ટાઈટન્સની ફ્રેન્ચાઈઝને રૂ.5,625 કરોડમાં ખરીદી હતી અને યોગાનુયોગ તે વખતે ટોરેન્ટ ગ્રુપ પણ બિડમાં જોડાયું હતું. આઈપીએલના સૂત્રોના મતે ગુજરાત ટાઈટન્સનું પ્રવર્તમાન મૂલ્ય રૂ.7,500 કરોડ હોવાનું માનવામાં આવે છે. ટોરેન્ટ ગ્રુપે 67 ટકા હિસ્સો અંદાજે રૂ.5,025 કરોડથી વધુમાં ખરીદ્યો હોવાની સંભાવના છે. સીવીસીએ 33 ટકા હિસ્સો પોતાની પાસે જાળવ્યો છે અને તેથી આ સોદો બંને જૂથ માટે લાભદાયી રહેશે. આ પ્રસંગે ટોરેન્ટ ગ્રુપના ડાયરેક્ટર જિનલ મહેતાએ જણાવ્યું કે, ગુજરાત ટાઈટન્સમાં બહુમતિ હિસ્સો હસ્તગત કરતા આગામી વર્ષોમાં અમારા ચાહકોના અનુભવને વધારવા તથા વિકાસના નવા રસ્તાઓ ખોલવાની તક બદલ અમે ઉત્સાહી છીએ. ભારતની સૌથી લોકપ્રિય રમત ક્ષેત્રે આ એક નવા અધ્યાયની શરૂઆત છે જેની જાહેરાત કરતા અમને આનંદ થાય છે તેમ સીવીસીના મેનેજિંગ પાર્ટનર સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું. 2022માં હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં ગુજરાત ટાઇટન્સ આઇપીએલમાં ચેમ્પિયન બન્યું હતું. ત્યાર બાદ 2023ની આઇપીએલમાં તેઓ રનર્સ અપ રહ્યા હતા. જોકે 2024માં ટીમનું પ્રદર્શન કથળ્યું હતું. હાર્દિક પંડ્યા ફરીથી મુંબઈ ઇન્ડિયન્સમાં જતાં શુભમન ગિલના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સ આઠમા ક્રમે રહ્યું હતું.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)