
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની તીર્થરાજ વડતાલધામ ખાતે ઉજવાઈ રહેલા શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ભારત સરકારે શુધ્ધ ચાંદીના 200 રૂપિયાનો વડતાલ મંદિરની પ્રતિકૃતિ સાથે બહાર પાડયો હતો. જેનું પૂજ્ય આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજીએ સોમવારે રાજકીય મહાનુભાવો અને પૂજ્ય સંતોની હાજરીમાં લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય કોઠારી પૂજ્ય સંતવલ્લભ સ્વામીએ રાજીપો વ્યક્ત કરતાં આ ક્ષણને વધાવી હતી. સમગ્ર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ ઐતિહાસિક ક્ષણ છે કેમકે શ્રીજી મહારાજે સ્વહસ્તે બનાવેલા કોઈપણ મંદિરની પ્રતિકૃતિ સાથે કોઈ ચલણી સિક્કો મનાવ્યો હોય એવી આ પ્રથમ ઘટના છે અને વિશ્વભરમાં ફેલાવેલા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ છે. આ નિમિત્તે પૂજ્ય આચાર્ય મહારાજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો.
કોઠારી સ્વામીએ આ તબક્કે દેશના નાણાં પ્રધાન નિર્મલા સીતારામનનો પણ વિશેષ આભાર માન્યો હતો. આ મહોત્સવમાં આ સિક્કાના વિમોચન પ્રસંગે ટેલીકોમ ડીસ્પુટ્સ સેટલમેન્ટ અપેલેટ ટ્રિબ્યુનલના ચેરમેન અને દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ બી.એન પટેલ હાજર રહ્યા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જય સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રણામ કરું છું. વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન થયું છે. અહીં દેશ-વિદેશના હરિભક્તો આવ્યા છે. સ્વામિનારાયણની પરંપરા રહી છે કે સેવા વગર તેમનું કોઈ કામ આગળ વધતું હોતું નથી. આજે લોકો પણ સેવાકાર્યમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. મેં છેલ્લાં કેટલાક દિવસોમાં ટીવી અને મીડિયા- સોશિયલ મીડિયામાં આ સમારોહની તસવીરો જોઈ હતી અને આનંદ અનેકગણો વધી ગયો છે.વડતાલ ધામની સ્થાપનાના 200 વર્ષે આ દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન એ માત્ર ઈતિહાસની તારીખ નથી. આ મારા જેવા દરેક વ્યક્તિ માટે જે વડતાલધામમાં આસ્થા સાથે જોડાયા છે. તેમના માટે મોટો અવસર છે. હું માનું છું કે, અમારા માટે અવસર ભારતીય સંસ્કૃતિના શાશ્વત પ્રવાહોનું પ્રમાણ છે. 200 વર્ષ પહેલાં જે વડતાલ ધામની સ્થાપના ભગવાન શ્રીસ્વામિનારાયણે કરી હતી. આજે પણ તેની આધ્યાત્મિક ચેતનાને જાગૃત રાખી છે. આજે પણ અહીં ભગવાન સ્વામિનારાયણની શિક્ષા, ઊર્જા અનુભવી કરી શકીએ છીએ. હું દરેક સંતોના ચરણોમાં પ્રણામ કરીને અને દરેક દેશવાસીઓને દ્વિશતાબ્દી મહોત્સવની શુભેચ્છા આપું છું. મને આનંદ છે કે, ભારત સરકારે આ અવસરે 200 રૂપિયાનો ચાંદીનો એક સિક્કો અને સ્મારક ટપાલ ટિકિટ જાહેર કરી છે.
