ભારતના પ્રવાસે ગયેલી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમને પાંચ ટી-20 મેચની સીરીઝમાં પહેલી અને બીજી ટી-20માં હરાવી ભારતે 2-0ની મજબૂત સરસાઈ મેળવી છે. સૂર્યકુમાર યાદવના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમે પ્રથમ મેચમાં લગભગ એક પક્ષી બની ગયેલા મુકાબલામાં ઈંગ્લેન્ડને સાત વિકેટે હરાવ્યું હતું, તો રોમાંચક બની ગયેલા બીજા મુકાબલામાં ભારતનો ફક્ત ચાર બોલ બાકી હતા ત્યારે, બે વિકેટે વિજય થયો હતો.
શનિવારે (25 જાન્યુઆરી) ચેન્નાઈમાં રમાયેલી બીજી મેચમાં ઈંગ્લેન્ડના બેટર્સે સારો દેખાવ કરી 9 વિકેટે 165 રન કર્યા હતા. સુકાની જોસ બટલરે સૌથી વધુ 45 રન 30 બોલમાં કર્યા હતા, તો બ્રાયડન કાર્સે 31 અને જેમી સ્મિથે 22 રન કર્યા હતા. ભારત તરફથી સાત બોલર અજમાવાયા હતા અને અક્ષર પટેલ તથા વરૂણ ચક્રવર્તીને બે-બે, જ્યારે અર્શદીપ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર તથા અભિષેક શર્માને એક-એક વિકેટ મળી હતી.
તેના જવાબમાં ભારતની ઈનિંગનો આરંભ પણ ખાસ પ્રભાવશાળી નહોતો થયો અને તિલક વર્માએ નિર્ણાયક બેટિંગ દ્વારા ટીમને સંભવિત પરાજયમાંથી ઉગારી બે વિકેટે રોમાંચક વિજય હાંસલ કરાવ્યો હતો. તિલકે સુકાની સૂર્યકુમાર સાથેની ત્રીજી વિકેટની ભાગીદારીમાં 37 રન તથા છઠ્ઠી વિકેટની ભાગીદારીમાં સુંદર સાથે 38 રન ઉમેર્યા હતા. તિલક 55 બોલમાં પાંચ છગ્ગા અને ચાર ચોગ્ગા સાથે 72 રન કરી અણનમ રહ્યો હતો.
ઈંગ્લેન્ડનો જોફ્રા આર્ચર આ મેચમાં સૌથી મોંઘો સાબિત થયો હતો, તેણે ચાર ઓવરમાં 60 રન આપી એક વિકેટ લીધી હતી, તો આદિલ રશિદ ચાર ઓવરમાં ફક્ત 14 રન આપી એક વિકેટ સાથે સૌથી વધુ કરકસરયુક્ત સાબિત થયો હતો. તિલકના 72 સિવાય સુંદરના 26 અને સૂર્યકુમાર તથા અભિષેક શર્માના 12-12 રન હતા. તિલક દેખિતી રીતે જ પ્લેયર ઓફ ધી મેચ જાહેર થયો હતો.
પ્રથમ ટી-20માં ભારતનો 7 વિકેટે વિજયઃ આ પહેલા બુધવારે (22 જાન્યુઆરી) કોલકાતામાં રમાયેલી પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર દેખાવ સાથે સાત વિકેટે વિજય થયો હતો. ઈંગ્લેન્ડની ટીમ પહેલા બેટિંગ કરતાં ફક્ત 133 રનમાં ઓલાઉટ થઈ ગઈ હતી. સુકાની જોસ બટલરે 44 બોલમાં 68 અને હેરી બ્રુકે 14 બોલમાં 17 રન કર્યા હતા, તો જોફ્રા આર્ચરે 10 બોલમાં 12 રન કર્યા હતા. ભારત તરફથી વરૂણ ચક્રવર્તીએ 23 રનમાં ત્રણ તથા અર્શદીપ, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે બે-બે વિકેટ લીધી હતી.
જવાબમાં ભારતે ફક્ત 12.5 ઓવરમાં જ ત્રણ વિકેટે 133 રન કરી ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ઓપનર્સ સંજુ સેમસન અને અભિષેક શર્માએ 41 રનની ભાગીદારી કરી હતી, તો અભિષેક અને તિલક વર્માએ ત્રીજી વિકેટની ભાગીદારીમાં ફક્ત 7 ઓવરમાં 84 રન કરી ટીમને વિજયના આરે લાવી દીધી હતી. અભિષેક શર્માએ ફક્ત 34 બોલમાં 8 છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે 79 રન કર્યા હતા અને તે આઉટ થયો ત્યારે ટીમ વિજયથી ફક્ત 8 રન દૂર હતી. સંજુ સેમસને 26 અને તિલક વર્માએ અણનમ 19 રન કર્યા હતા.
અભિષેક શર્મા પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.
